વડોદરા કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ : જેતલપુર બ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ જેતલપુર બ્રિજ નીચે દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સામાન્ય વરસાદમાં પણ બ્રિજની નીચે આવેલા માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહીશોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ પર લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતા રસ્તો ઉબડખાબડ બની જાય છે. પાણીના કારણે રસ્તા પર પડેલા ખાડા કે ખુલ્લા ગટરના ઢાંકણા દેખાતા નથી, જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય સતત રહે છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો માટે આ સ્થિતિ જોખમી બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
આ મુદ્દે એક સામાજિક કાર્યકરે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ જેતલપુર બ્રિજ નીચે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
સામાજિક કાર્યકરનું કહેવું છે કે નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયા પ્રી-મોન્સૂન કામગીરી પાછળ ખર્ચવામાં આવે છે, છતાં સામાન્ય વરસાદમાં જ માર્ગ જળબંબાકાર થઈ જાય છે. જો કામગીરી અસરકારક રીતે કરવામાં આવી હોત તો દર વર્ષે એક જ સમસ્યાનો સામનો ન કરવો પડત. તેમણે કોર્પોરેશનને તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી નાગરિકોને રાહત આપવાની માંગ કરી છે.









