Baroda

સાંકડા રસ્તા અને પોળો માટે વડોદરા કોર્પોરેશન રૂ.1.35 કરોડના ચાર જેટિંગ મશીન ખરીદશે

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન શહેરની સાંકડી ગલીઓ અને પોળ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈ વધુ અસરકારક બનાવવા 4 નવા નાના જેટિંગ મશીન ખરીદશે. આ માટે રૂ. 1,35,88,300 ના ખર્ચે ખરીદીની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરાઈ છે. હાલના 18 મોટા મશીનો સાંકડા રસ્તાઓ પર પહોંચી શકતા ન હોવાથી આ નિર્ણય લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાંકડા રસ્તા અને પોળો માટે વડોદરા કોર્પોરેશન રૂ.1.35 કરોડના ચાર જેટિંગ મશીન ખરીદશે

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સાંકડી ગલીઓ અને પોળ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે ચાર નવા નાના જેટિંગ મશીન ખરીદશે. આ અંગેની દરખાસ્ત આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
દરખાસ્ત મુજબ, વડોદરા મહાનગરપાલિકાની હદમાં નવા વિસ્તારોનો સમાવેશ તેમજ વુડા હસ્તકના સાત ગામોને કોર્પોરેશનમાં ભેળવાતા ડ્રેનેજ સફાઈની કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની મેનલાઇન ચોકઅપ થવા અને જાહેર માર્ગો પર ગંદા પાણી ઉભરાવાની ફરિયાદો સતત મળી રહી છે.
હાલ પાલિકા પાસે 8,000 લિટર ક્ષમતાના 18 જેટિંગ મશીનો ઉપલબ્ધ છે. જોકે આ 19 ટન ચેસીસ પર આધારિત મોટા વાહનો હોવાથી જૂના શહેરની સાંકડી ગલીઓ, પોળો તેમજ નવા સમાવિષ્ટ ગામોના આંતરિક માર્ગોમાં પહોંચી શકતા નથી. પરિણામે ડ્રેનેજ લાઇન અને મેનહોલની સફાઈમાં મુશ્કેલી ઊભી થાય છે.
આ સમસ્યાના નિરાકરણ માટે 7થી 10 ટન ક્ષમતાની સ્મોલ ચેસીસ પર 3,500 લિટર ટેન્ક ધરાવતા નાના જેટિંગ મશીનો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયાના બીજા પ્રયાસમાં રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત ગીરીરાજ ટ્રેક્ટર્સનું ભાવપત્રક મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
દરખાસ્ત મુજબ એક જેટિંગ મશીનની કિંમત રૂ.33,97,075 છે. ચાર મશીન માટે કુલ રૂ.1,35,88,300નું ભાવપત્રક રજૂ થયું છે, જે અંદાજિત કિંમત કરતાં 5.61 ટકા ઓછું હોવાનું પાલિકાએ જણાવ્યું છે. સ્થાયી સમિતિની મંજૂરી મળ્યા બાદ ખરીદી પ્રક્રિયા આગળ વધશે.