Baroda

વડોદરા: ભૂતડીઝાંપામાં વ્હીકલ પૂલની 15 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી: મકાનોને નુકસાન

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના ભૂતડીઝાંપામાં બસ ડેપો સામે આવેલી વડોદરા મહાનગર પાલિકાની વ્હીકલ પૂલ શાખાની 15 ફૂટ ઊંચી કંપાઉન્ડ વોલનો એક ભાગ આજે અચાનક ધરાશાયી થયો. દિવાલનો કાટમાળ રામદેવપીરની ચાલી તરફના મકાનો પર પડતાં કેટલાક મકાનોને નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. થોડા વર્ષો પહેલા પણ આ જ વ્હીકલ પૂલની દિવાલનો એક ભાગ તૂટ્યો હતો. આ ઘટનાથી મનપાની જાળવણી સામે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ભૂતડીઝાંપામાં વ્હીકલ પૂલની 15 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી: મકાનોને નુકસાન

Vadodara: વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તારમાં બસ ડેપો સામે આવેલી વડોદરા મહાનગર પાલિકાની વ્હીકલ પૂલ શાખાની આશરે 15 ફૂટ ઊંચી કંપાઉન્ડ વોલનો એક ભાગ આજે અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દિવાલનો કાટમાળ બાજુમાં આવેલી રામદેવપીરની ચાલી તરફના મકાનો પર પડતાં કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે ઘટના સમયે કોઈ વ્યક્તિ દિવાલની નજીક ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.

વ્હીકલ પૂલ પરિસરની ચારે બાજુ ઊંચી સુરક્ષા દિવાલ આવેલી છે. આજે રામદેવપીરની ચાલી તરફ આવેલી દિવાલનો મોટો ભાગ અચાનક તૂટી પડતાં રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. દિવાલના ભારે કાટમાળના કારણે મકાનોના છાપરા અને અન્ય ભાગોને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ પણ ભૂતડીઝાંપા પોલીસ પરેડ ગ્રાઉન્ડ તરફ આવેલી આ જ વ્હીકલ પૂલની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. ત્યારે પણ દિવાલની મજબૂતી અંગે પ્રશ્નો ઉઠ્યા હતા. હવે ફરી એકવાર બીજી બાજુની દિવાલ તૂટી પડતાં મહાનગર પાલિકાની જાળવણી અને સમયસર મરામતની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.