નાગનાગિનનો દોષ દૂર કરવાના નામે બ્યુટીપાર્લરની સંચાલિકાના દાગીના લઇ જનાર બે મહિલા ઝડપાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાડી વિસ્તારમાં બ્યુટીપાર્લરની સંચાલિકાને નાગ નાગીનનો દોષ દૂર કરવાની વિધિ કરાવી મંગળસૂત્ર અને રોકડ લઇ ફરાર થઇ ગયેલી ત્રણ મહિલા પૈકી બે મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી મંગળસૂત્ર કબજે કર્યું છે.
વાઘોડિયારોડ ગુરૃકુલ પાસે આદિત્ય હાઇટ્સમાં રહેતાં હેતલબેન હિતેશભાઇ ચૌહાણ સંતકબીર રોડ પર બ્યુટી પાર્લર ચલાવે છે. દસેક દિવસ પહેલાં બપોરે તેમના પાર્લરમાં ત્રણ મહિલાઓ ફેસિયલ માટે આવી હતી.આ પૈકી એક મહિલાએ આ બહેન પર જોગણી માતાની કૃપા છે અને તેનાથી લગ્નના ૨૫ વર્ષ પછી બાબો આવ્યો છે તેમ કહ્યું હતું.
મહિલાએ બ્યુટીપાર્લરની સંચાલિકાને પણ દોષ દૂર કરવા માટે પૂજા માટે તૈયાર કરી હતી અને વાતોમાં ફસાવી દોઢ તોલાનું મંગળસૂત્ર પર્સમાં મુકાવ્યું હતું.જેમાં રૃ.૩૫૦૦ રોકડા પણ મુકેલા હતા.ત્યારબાદ તેમણે મહિલાના માથેથી સાત વાર પર્સ ઉતારીને પરત આપ્યું હતું અને ઊંધી ઉભી રાખી પાછળ જોતા નહિ તેમ કહીને ત્રણેય મંગળસૂત્ર અને રોકડ લઇને ફરાર થઇ ગઇ હતી.
બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ સામેલ થઇ હતી.પીઆઇ સંજય ગામેતી અને ટીમે હરણી વિજયનગર પાસેથી મીના મહેન્દ્ર વાદી(બહિયલ ગામ,દહેગામ,ગાંધીનગર) અને દક્ષા દિપકભાઇ સલાટ(વાલ્મિકી આવાસ,સુભાષ નગર,અમદાવાદ)ને મંગળસૂત્ર સાથે ઝડપી પાડતાં તેમણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી.પોલીસના કહ્યા મુજબ પકડાયેલી મીના વાદી સામે માંડવી,અમદાવાદ,પાટણ,મહેસાણા જેવા સ્થળોએ ૧૧ જેટલા ગુના નોંધાયેલા છે.









