Baroda

કિશનવાડી વિસ્તારમાં કુતરાઓની ટોળકીનો ત્રાસ : વાહન ચાલકને બચાવવા જતા ચારથી પાંચને કૂતરા કરડ્યા

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે. ગધેડા માર્કેટ પાસે મોડી રાત્રે બાઈક ચાલકને કૂતરાએ ઘેરી બચકા ભર્યા હતા. 8થી 10 કૂતરાઓએ હુમલો કરતા યુવકને ઈજા થઈ. બચાવવા આવેલા અન્ય બાઈક સવારને પણ કૂતરાઓએ બચકા ભર્યા. બંનેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ ઘટનાથી શહેરીજનોમાં રોષ અને ભયનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કિશનવાડી વિસ્તારમાં કુતરાઓની ટોળકીનો ત્રાસ : વાહન ચાલકને બચાવવા જતા ચારથી પાંચને કૂતરા કરડ્યા

Vadodara : વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને મોપેડ સવારો પાછળ કૂતરાઓ દોડતા અકસ્માતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં કૂતરા કરડવાના બનાવો પણ સતત સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી રહી હોવાથી નાગરિકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે શુક્રવારે રાત્રે લગભગ 1 વાગ્યાના સુમારે ગધેડા માર્કેટ ચાર રસ્તાથી મહાવીર ચાર રસ્તા તરફ જઈ રહેલા એક બાઈક ચાલકની સામે અચાનક કૂતરું આવી જતાં તે ધડાકાભેર પટકાયો હતો. અકસ્માત બાદ 8થી 10 રખડતા કૂતરાઓની ટોળકી યુવકને ઘેરી વળી હતી અને તેના પર બચકા ભરવાનું શરૂ કર્યું હતું.
યુવકની બૂમાબૂમ સાંભળી એક રીક્ષાચાલક અને અન્ય એક બાઈક સવાર તાત્કાલિક મદદે ઉભા રહ્યા હતા. બંનેએ કૂતરાઓને ભગાડી ઇજાગ્રસ્ત યુવકને બચાવ્યો હતો. જોકે, યુવકને બચાવી પોતાની બાઈક લઈને નીકળતા બચાવ માટે આવેલા અન્ય બાઈક સવાર પર પણ કૂતરાઓ તૂટી પડ્યા હતા અને તેને પણ બચકા ભર્યા હતા. જેના કારણે તેને પણ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.
શહેરના વિવિધ વિસ્તારોમાં સતત વધી રહેલા ડોગ બાઇટના બનાવો અને રખડતા કૂતરાઓના આતંકને લઈને નાગરિકોમાં રોષ અને ચિંતા વ્યાપી છે. નાગરિકોનું કહેવું છે કે રખડતા કૂતરાઓની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી થતી નથી. ખાસ કરીને રાત્રિના સમયે મુખ્ય માર્ગો પર કૂતરાઓની ટોળકીઓ ફરતી હોવાથી વાહનચાલકો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન તાત્કાલિક કાર્યવાહી કરી રખડતા કૂતરાઓના ત્રાસમાંથી શહેરજનોને મુક્તિ અપાવે તેવી માંગ કરી છે.