યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં અસામાજિક તત્વોની અવર- જવર પર હવે 24 કલાક નજર રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં આવેલા ૧૬ હોલની અંદર તો ૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા લાગેલા જ છે પણ હવે હોસ્ટેલ કેમ્પસમાં બહાર પણ બીજા ૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનું શરુ કરાયું છે.કેમેરા લગાવવાની ૭૦ ટકા કામગીરી પૂરી પણ થઈ ગઈ છે.
હોસ્ટેલ સત્તાધીશોના કહેવા અનુસાર હોસ્ટેલમાં કેટલીક વખત બહાર રોડ પર કે સેન્ટ્રલ કેન્ટીનમાં મારામારી થતી હોય છે.ઉપરાંત કેટલીક વખત અસામાજિક તત્વો પણ કેમ્પસમાં ફરતા હોય છે.તેમના પર નજર રાખવી જરુરી છે.જેના કારણે ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ મુખ્ય કેમ્પસ તથા પોલીટેકનિક કેમ્પસ એમ ત્રણે હોસ્ટેલ કેમ્પસમાં ૮૦ લાખ રુપિયાના ખર્ચે કેમેરા લગાવવાનંય શરુ કરાયું છે.દરેક હોલની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાને મોનિટર કરવાની જવાબદારી જે- તે હોલના વોર્ડનની રહેશે.હોલની બહારની તરફ, હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશવાના અને બહાર જવાના ગેટ પર અને રસ્તાઓ પર આ કેમેરા થકી ૨૪ કલાક નજર રહેશે.
જોકે હોસ્ટેલ કેમ્પસમાં કેમેરા લગાવાઈ રહ્યા છે પણ યુનિવર્સિટી કેમ્પસમાં સીસીટીવી કેેમેરા લગાવવાના પ્રોજેકટ પર બ્રેક વાગી ગઈ છે.આ પ્રોજેકટના ભાગરુપે કેમ્પસના અમુક હિસ્સામાં કેમેરા લગાવાયા હતા.જોકે તત્કાલીન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં તેના પર બ્રેક વાગી ગઈ હતી.એ પછી આ પ્રોજેકટનો બીજો તબક્કો શરુ કરાયો જ નથી.









