માંજલપુરની પેટાચૂંટણીમાં કોની જીત આજે ૧૨ વાગ્યા સુધીમાં સ્પષ્ટ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ, હવે મતગણતરીની પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મકરપુરાની ભવન્સ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં કાલે સોમવારે સવારે ૮ વાગ્યેથી મતગણતરીનો પ્રારંભ કરાશે.
મતગણતરી કેન્દ્ર ખાતે મતોની ગણતરી માટે કુલ ૧૪ ઇવીએમ અને ૧ પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૬૦ મતદાન મથકોના મતોની ગણતરી ૧૪+૦૧(પોસ્ટલ બેલેટ)ટેબલો પર તબક્કાવાર કુલ ૧૯ રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. સવારે ૮ વાગ્યે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી શરૃ કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતગણતરી કામગીરી માટે ૪૨ ગણતરી સ્ટાફ તથા દરેક ટેબલ દીઠ સુપરવિઝન માટે ૪૨ માઇક્રો ઓબ્ઝર્વર્સની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી સંચાલનને લગતી અન્ય કામગીરી માટે ૨૦૦ જેટલા અન્ય ચૂંટણી સ્ટાફના કર્મચારીઓ સેવામાં રહેશે.
મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ૨૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ફરજ બજાવશે. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોણ જીતશે તે સ્પષ્ટ થઇ જશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ રબારી વચ્ચે સીધો જંગ છે. ભવન્સ સ્કૂલની આસપાસ પોલીસ બંદોબસ્તના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે.









