ભીલાપુરની રેશનિંગ દુકાનનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની એક રેશનિંગ દુકાનમાં પુરવઠાખાતાએ દરોડો પાડી મોટાપાયે ગેરરીતિ ઝડપી પાડયા બાદ આ દુકાનનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ તાલુકાના ભીલાપુર ગામમાં કિરણ પ્રદિપભાઇ પટેલ સંચાલિત સરકારી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની દુકાનના સંચાલક દ્વારા અનેક પ્રકારની ગેરરીતિ આચરવામાં આવે છે તેવી વ્યાપક ફરિયાદો ઊઠી હતી જેના પગલે પુરવઠાખાતાના સ્ટાફ દ્વારા ગયા મહિને આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન દુકાનમાં સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ થતા જથ્થા પૈકી ચોખા તેમજ ખાંડના જથ્થામાં વધઘટ જણાઇ હતી. આ ઉપરાંત દુકાનમાં નિયમ મુજબ ગ્રાહકો જોઇ શકે તે રીતે બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. જ્યારે કેટલાંક ગ્રાહકોની પૂરેપૂરો જથ્થો મળે છે કે નહી તેમજ કૂપન આપવામાં આવે છે કે નહી તે અંગે પણ પૃચ્છા કરવામાં આવી હતી. જેમાં કેટલાંક કિસ્સામાં નકારાત્મક જવાબો મળ્યા હતાં. આ ઉપરાંત સરકાર સાથે કરેલા પરવાનાની શરતોનો ભંગ થતો હોવાનું જણાયું હતું. આમ અનેક પ્રકારની ગેરરીતિઓ ઝડપાતા જિલ્લા પુરવઠા અધિકારીએ દુકાનનું લાઇસન્સ ૬૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધું છે.









