Baroda

વડોદરામાં ગાંજાના સપ્લાયનું સુરત કનેક્શન,કેરિયરો અજાણ્યા શખ્સનું નામ લઇ છટકી જાય છે

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરા પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ છેલ્લા 12 દિવસમાં ગાંજાના 5 કેસ કર્યા છે. આકોટા બ્રિજ, માંજલપુર અને આકોટા સ્મશાન પાસેથી ₹1 લાખથી વધુનો ગાંજો જપ્ત કરી 4 કેરિયરને ઝડપ્યા. પૂછપરછમાં 3 કેસમાં સુરત કનેક્શન ખુલ્યું, જ્યાંથી અજાણ્યા સપ્લાયરો પાસેથી ગાંજો મળ્યો હતો. પોલીસ માટે હવે આરોપીઓનું મોબાઈલ નેટવર્ક મહત્ત્વનું બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગાંજાના સપ્લાયનું સુરત કનેક્શન,કેરિયરો અજાણ્યા શખ્સનું નામ લઇ છટકી જાય છે

વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઉપાડવામાં આવેલી ઝુંબેશ દરમિયાન સુરતના અજાણ્યા સપ્લાયરો સુધી પહોંચવું પડકારરૃપ બન્યું છે.
શહેર પોલીસે તાજેતરમાં જ ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સની કામગીરી માટે વિશેષ ટીમો બનાવવા સૂચના આપી છે.જેની અસર રૃપે હવે પોલીસ સ્ટેશનોમાં પણ ગાંજાના કેસો થવા માંડયા છે.
છેલ્લા બાર દિવસમાં અકોટા બ્રિજ, માંજલપુર અને અકોટા સ્મશાન પાસેની વસાહતમાંથી પોલીસે દરોડો પાડી ગાંજાના કુલ પાંચ કેસ કર્યા હતા.જેમાં પોલીસે રૃ.એક લાખ ઉપરાતંના ગાંજા સાથે કુલ ચાર કેરિયરને ઝડપી પાડી પૂછપરછ કરતાં ત્રણ કેસમાં સુરતનું કનેક્શન નીકળ્યું છે.જ્યારે એક કેસમાં હજી તપાસ ચાલી રહી છે.
પકડાયેલા આરોપીઓ સુરતના કોઇ પણ વિસ્તારનો ઉલ્લેખ કરી કોઇ અજાણ્યો શખ્સ ગાંજો આપી ગયો હોવાનું કબૂલી રહ્યા છે.આ પહેલાં પણ ગાંજાના કેસોમાં આરોપીઓ સુરતના અજાણ્યા સપ્લાયર પાસેથી ગાંજો લીધો હતો તેમ કહીને મોં સીવી લેતા હોવાથી ગાંજાના અજાણ્યા સપ્લાયરોને શોધવા માટે પોલીસ માટે આરોપીઓનું મોબાઇલ નેટવર્ક મહત્ત્વનું બન્યું છે.

ક્યા કેસોમાં સુરત કનેક્શન ખૂલ્યું
(૧)તા.૨૧મી જૂને માંજલપુરના પવનનગરમાં ક્રાઇમ બ્રાન્ચે આફતાબ આલમને ઝડપી પાડી રૃ.૨૫ હજારનો ગાંજો કબજે કર્યો હતો.જેમાં તેણે સુરતના અશ્વિનિ કુુમાર વિસ્તારમાંથી અજાણ્યા શખ્સ પાસે ગાંજો ખરીદ્યાનું કબૂલ્યું હતું.
(૨) તા.૨૧મી જૂને માંજલપુર પોલીસે વિશ્વામિત્રી ટાઉન શિપ પાસે પારસી ભીસ્તા ખાતેથી સિનિયર સિટિઝન હરિ કહારને રૃ.૨૩૫૦ના ગાંજા સાથે પકડતાં તે ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ ચાલુ છે.
(૩) મકરપુરા પોલીસે સુબેદાર યાદવને રૃ.૪૭૧૪ના ગાંજા સાથે ઝડપી પાડતાં તેણે સુરતના કોઇ અજાણ્યા શખ્સનું નામ લીધું હતું.
(૪) બે દિવસ પહેલાં અકોટા સ્મશાન પાસેની વસાહતમાંથી રૃ.૩૫૦૦ના ગાંજા સાથે પકડાયેલો વિશાલ કહાર પણ સુરતના મીઠી ખાડી ખાતે અજાણ્યા પાસેથી ગાંજો લાવ્યો હતો.
(૫) અકોટા બ્રિજ નીચેથી જુબેર પટેલ રૃ.પોણો લાખના દોઢ કિલો ગાંજા સાથે પકડાતાં નિઝામ શેખનું નામ ખૂલ્યું હતું.જેમાં સપ્લાયરની તપાસ ચાલી રહી છે