Baroda

વિદ્યાર્થીઓ પરીક્ષાના તનાવ અંગે પરિવાર કરતાં મિત્રો સાથે વાત કરવાનું પસંદ કરે છે

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
એમ.એસ.યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, ૯૦ વિદ્યાર્થીઓમાંથી ૬૦% પરીક્ષાના તણાવ વિશે પરિવારને બદલે મિત્રો સાથે વાત કરે છે. ૫૬% વિદ્યાર્થીઓ મિત્રો સાથે ચર્ચા કરવાનું પસંદ કરે છે. ૨૮% વિદ્યાર્થીઓ ધ્યાન કે પ્રાર્થનાથી, જ્યારે ૬૪% સંગીત કે મનોરંજનથી તણાવ દૂર કરે છે. આ અભ્યાસમાં ૪૭% વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ વધુ લાગ્યો અને ૪૭%ની ઊંઘમાં ખલેલ પડતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થીઓ પરીક્ષાના તનાવ અંગે પરિવાર કરતાં મિત્રો સાથે વાત કરવાનું પસંદ કરે છે

વિદ્યાર્થીઓ પરીક્ષાનો તનાવ તો અનુભવતા હોય છે પણ મોટાભાગના પોતાના પરિવાર કરતા મિત્રો સાથે આ બાબતે વાત કરવાનું વધારે પસંદ કરે છે તેવું એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના એક અભ્યાસમાં સામે આવ્યું છે.
ફેકલ્ટીના માસ્ટર ઓફ સોશ્યલ વર્કના વિદ્યાર્થી અજય ભાટિયાએ પોતાના ગાઈડ અને અધ્યાપક હિરલ પરમારના માર્ગદર્શન હેઠળ ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને સોશ્યલ વર્કનો અભ્યાસ કરતા ૯૦ જેટલા વિદ્યાર્થીઓના ઉપરોક્ત વિષય પર ઈન્ટરવ્યૂ લીધા હતા.
અજય ભાટિયાનું કહેવું છે કે, ૭૦ ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે, પરીક્ષા દરમિયાન પરિવારનો તમામ પ્રકારનો સપોર્ટ મળે છે.આમ છતા ૬૦ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષાના ટેન્શન અંગે પરિવારના સભ્યો સાથે વાત નહીં કરતા હોવાનું કહ્યું હતું.ઉલટાનું ૫૬ ટકા વિદ્યાર્થીઓએ આ બાબતે મિત્રો સાથે વાત કરતા હોવાનું સ્વીકાર્યું હતું.આ અભ્યાસનું એક રસપ્રદ તારણ એ પણ છે કે, પરીક્ષાનો તનાવ દૂર કરવા અને રિલેક્સ થવા માટે ૨૮ ટકા વિદ્યાર્થીઓએ મેડિટેશન કે પ્રાર્થના કરતા હોવાનું તો ૬૪ ટકાએ મ્યુઝિક કે બીજા મનોરંજનનો વિકલ્પ પસંદ કરતા હોવાનું કહ્યું હતું.

સિલેબસ વધારે લાગે છે, ઊંઘ બગડે છે
આ અભ્યાસના બીજા કેટલાક તારણો નીચે પ્રમાણે છે
--૨૮ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષાની તારીખો જાહેર થતાની સાથે ટેન્શન અનુભવતા હોવાનું કહ્યું હતુ.
--૩૬ ટકાએ પરીક્ષામાં સારો દેખાવ કરવાનું દબાણ અનુભવાતું હોવાનું કહ્યું હતું.૪૩ ટકાને નિષ્ફળતાની ચિંતા હતી. ૩૩ ટકા પરીક્ષાની તૈયારી દરમિયાન બેચેની અનુભવતા હતા અને ૪૭ ટકાને અભ્યાસક્રમ ઘણો વધારે લાગતો હતો
--પરીક્ષાની તૈયારી દરમિયાન ૪૭ ટકા વિદ્યાર્થીઓ ઉંઘમાં ખલેલ પડતી હોવાનું અને ૪૨ ટકા વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત નહીં થતું હોવાનું જણાવ્યું હતું.જોકે સ્વભાવ ચિઢિયો થઈ જતો હોવાનું કહેનારા અને હતોત્સાહ થઈ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે માત્ર ૨૮ અને ૨૨ ટકા જ હતી.

--૪૭ ટકાએ પરિવારની અપેક્ષાઓથી તનાવ વધતો હોવાનું તો ૪૬ ટકાએ તૈયારી માટે સમયના અભાવે ટેન્શન વધતું હોવાની કબૂલાત કરી હતી.

વિદ્યાર્થીઓ પરીક્ષાનું ટેન્શન કઈ રીતે દૂર કરે છે
--૪૫ ટકાએ તૈયારી માટે ટાઈમ ટેબલને મહત્વ આપ્યું હતું તો ૫૬ ટકાએ સિલેબસને નાના -નાના હિસ્સામાં વહેંચીને તૈયારી કરવી યોગ્ય છે તેમ કહ્યું હતું
--૩૮ ટકાએ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામની વકીલાત કરી હતી
--૭૦ ટકાએ કહ્યું હતું કે યોગ્ય માર્ગદર્શન મળે તો તનાવ ઓછો થઈ શકે છે
--તનાવ દૂર કરવા બહુમતી વિદ્યાર્થીઓ મિત્રો સાથે વાત કરતા હતા