વિદ્યાર્થીઓએ કાપડમાં રહેલી ખામીને શોધી કાઢતી ઓટોમેટિક ઈન્સ્પેક્શન સિસ્ટમ બનાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સ્ટાઈલ એન્જિનિયરિંગ વિભાગના ચાર વિદ્યાર્થીઓએ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીનું કામ આસાન કરી શકે તેવી ફેબ્રિક લેન્સ નામની એક ઓટોમેટિક સિસ્ટમ બનાવી છે.જે કાપડમાં રહેલી ખામીને શોધી શકે છે.
આ ટીમમાં સુજલ કુમાર, ધુ્રવ મુલ્હેકર, બિનિત પાંડે અને અંકિત યાદવનો સમાવેશ થાય છે.આ પૈકી સુજલ કુમાર કહે છે કે,કાપડ જ્યારે બને છે ત્યારે તેનું ઈન્સ્પેક્શન કરવામાં આવે છે.ભારતના ધારાધોરણ પ્રમાણે કાપડમાં ૩૮ પ્રકારની ખામીઓ હોઈ શકે છે.દરેક ખામી માટે પેનલ્ટી પોઈન્ટ હોય છે.ખામી શોધાયા બાદ તેને દૂર કરવામાં આવે છે.આપણે ત્યાં મોટાભાગે ઈન્સ્પેક્શનની કામગીરી માણસો કરે છે અને મિલોમાં આ કામ ૨૪ કલાક ચાલતું હોય છે.
સુજલ કુમારના કહેવા મુજબ યુરોપ અને ચીનની કંપનીઓ ઓટોમેટિક ઈન્સ્પેક્શન માટે જે સિસ્ટમ બનાવે છે તેની કિંમત કરોડોમાં હોય છે.જ્યારે અમે ચાર થી પાંચ લાખમાં સિસ્ટમ બનાવવામાં સફળતા મેળવી છે.આ સિસ્ટમમાં એઆઈ આધારિત સોફટવેર છે.જે પોતાની જાતે જ કાપડનું સ્ક્રિનિંગ કરીને ખામીને શોધી કાઢે છે. ઉદ્યોગોને પણ આ શોધમાં રસ પડયો છે.આગામી દિવસોમાં અમે સુરતની બે કંપનીઓમાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરવાના છે.
ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓના ઈન્ક્યુબેટર પ્રોગ્રામમાં આ પ્રોજેકટને પહેલું સ્થાન મળ્યું છે.પ્રોજેકટ માટે વિઝન-૨૦૨૦ના ભાગરુપે ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓ રાજ જોષી અને સંદીપ પરમારે વિદ્યાર્થીઓના મેન્ટર બનીન મદદ કરી હતી.
વિદ્યાર્થીઓએ બનાવેલી ઓટોમેટિક સિસ્ટમની વિશેષતાઓ
--સાટિન, પ્લેઈન અને ટ્વિલ એમ ત્રણ પ્રકારના કાપડ માટે ઉપયોગમાં લઈ શકાય છે
--માણસ એક મિનિટમાં ૬ મીટર કાપડનું ઈન્સ્પેક્શન કરી શકે છે. જ્યારે ઓટોમેટિક સિસ્ટમ ૧૦ થી ૧૨ મીટર કાપડનું નિરિક્ષણ કરી શકે છે
--ઘરે બેઠા પણ ઈન્સ્પેક્શન પર નજર રાખી શકાય છે, માત્ર ઈન્ટરનેટની સુવિધાની જરુર હોય છે
--માણસો દ્વારા થતા ઈન્સ્પેક્શનની એક્યુરસી ૭૦ ટકા જેટલી હોય છે.જ્યારે વર્કશોપમાં થયેલા પ્રયોગોમાં આ સિસ્ટમની ૯૯ ટકા એક્યુરસી પૂરવાર થઈ છે
--ઈમ્પોર્ટ મશિનો કરોડો રુપિયાના હોય છે.આ સિસ્ટમ ચાર થી પાંચ લાખમાં બની શકે છે









