નવી ઈ-કેવાયસી સિસ્ટમમાં ટ્રાન્સફર ઓફ ઓનરશીપમાં ઉદ્ભવતી સમસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર (આરટીઓ) કચેરીમાં ટ્રાન્સફર ઓફ ઓનરશીપ (વાહન માલિકી બદલવા)ની પ્રક્રિયામાં નવી ઈ-કેવાયસી આધારિત સિસ્ટમ અમલમાં આવ્યા બાદ અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી વ્યવસ્થામાં દસ્તાવેજોમાં વિસંગતતા અથવા ઈ-સાઇન ન થતાં અરજીઓ અટકી રહી હોવાનું સામે આવ્યું છે.
આરટીઓ કચેરીને ગત્ ૧થી ૩૧ જુલાઈ દરમિયાન ટ્રાન્સફર ઓફ ઓનરશીપની કુલ ૮૪૦ અરજીઓ મળી હતી. જ્યારે ડુપ્લિકેટ આરસી, ચેન્જ ઓફ એડ્રેસ, ટ્રાન્સફર ઓફ ઓનરશીપ સહિતની વિવિધ ફેસલેસ સુવિધાઓ માટે કુલ ૩,૯૩૦ અરજીઓ પ્રાપ્ત થઈ છે.
૧૫ જુલાઈથી અમલમાં આવેલી નવી સિસ્ટમ મુજબ વાહનના ખરીદનાર અને વેચનાર બંનેની ઈ-સાઇન પૂર્ણ થવી જરૃરી છે અથવા આરસી બૂક અને આધારકાર્ડમાં અરજદારનું નામ એકસરખું હોવું જરૃરી છે. આ શરતો પૂર્ણ થયા બાદ જ ટ્રાન્સફર ઓફ ઓનરશીપની પ્રક્રિયા આગળ વધી શકે છે.
અગાઉ, ઓટીપી આધારિત જૂની વ્યવસ્થામાં એચપી કેન્સલ, એચપી હાઈપોથિકેશન સહિતની અન્ય પ્રક્રિયાઓ સરળતાથી થઈ શકતી હતી. જોકે નવી ઈ-કેવાયસી સિસ્ટમમાં તમામ વિગતોનું ડિજિટલ વેરિફિકેશન ફરજિયાત બનતાં દસ્તાવેજોમાં નાની વિસંગતતા પણ અરજી અટકવાનું કારણ બની રહી છે.
હાલમાં ટ્રાન્સફર ઓફ ઓનરશીપ અને અન્ય ફેસલેસ સેવાઓની કુલ ૨૫૮ અરજીઓ પેન્ડિંગ છે. પેન્ડિંગ અરજીઓમાં દસ્તાવેજોની ખામી, ઈ-કેવાયસી અધૂરી રહેવી તેમજ અન્ય ટેકનિકલ કારણોનો પણ સમાવેશ થાય છે.
આધાર-આરસીમાં નામની વિસંગતતાથી વાહન ટ્રાન્સફર અટક્યા
મોટાભાગના કિસ્સામાં આરસી બૂક અને આધારકાર્ડમાં નામ અથવા અટક આગળ-પાછળ કે અલગ રીતે નોંધાયેલી હોવાથી ઈ-કેવાયસી થઈ શકતું નથી. પરિણામે અરજદારે પહેલાં દસ્તાવેજોમાં સુધારા કરાવવા પડે છે. ત્યારબાદ હાઈપોથિકેશન (એચપી) કેન્સલ કરાવી નવી આરસી બૂક મેળવ્યા પછી જ ટ્રાન્સફર ઓફ ઓનરશીપની પ્રક્રિયા થઈ શકે છે, જેમાં એક મહિના જેટલો સમય લાગી રહ્યો છે.
એક અંદાજ મુજબ, અત્રેની આરટીઓ કચેરીમાં રોજ ૨૦૦ વાહનોની ટ્રાન્સફર ઓફ ઓનરશીપ માટે અરજદારો આવે છે. આ ઉપરાંત, ટ્રાન્સફરની પાવતી સમયસર ન મળતા વાહન ડીલરો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. પાવતી વિના માલિકી હસ્તાંતરણ પૂર્ણ ન ગણાતા ઘણા ડીલરો ગ્રાહકોને વાહનો સોંપતા નથી.
ઈ-કેવાયસી બાદ નામ-અટકમાં તફાવત હોય તો પહેલાં સુધારા, પછી એચપી કેન્સલ અને નવી આરસી ટ્રાન્સફરમાં એક મહિના જેટલો વિલંબ









