વડોદરાના પૂર્વ વિસ્તારમાં અણખોલ પાસે ૭૫ મીટર રિંગ રોડ બનાવવા માટે જમીનનો કબજો એક વર્ષ બાદ મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના પૂર્વ વિસ્તારમાં ૭૫ મીટર રિંગ રોડ માટે છેલ્લા એક વર્ષથી અડચણ બનતી ખાનગી માલિકીની આશરે ૨૦૨૪૦ ચો.મી. જમીન પર પોલીસ બંદોબસ્ત સાથે વુડાએ કબજો મેળવી રોડ બનાવવાની તેમજ પાણીની મુખ્ય લાઇન નાખવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ વિસ્તારમાં રતનપુરથી વાઘોડિયાચોકડીની આગળ ખટંબા થઇને નીકળતા રિંગ રોડ પર અણખોલની બાજુમાં હનુમાનપુરા પાસે માનસિંગભાઇ ઠાકોરની માલિકીની જમીનનો કબજો છેલ્લા ઘણા સમયથી મળતો ન હતો. આ જમીન માલિકને ફાઇનલ પ્લોટની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી પરંતુ જમીનનો કબજો નહી મળતા વુડા દ્વારા રિંગ રોડનું કામ આગળ વધતું ન હતું.
દરમિયાન આજે સવારથી પોલીસ બંદોબસ્ત મેળવી વુડાના અધિકારીઓએ જમીન માલિકને સાથે રાખી જમીનનો કબજો મેળવી રોડ માટે જમીન ખોલી દેવાઇ હતી. આ સાથે જ આ જમીન પર રિંગ રોડ બનાવવા માટે માટી નાખવાથી માંડી અન્ય કામગીરીનો પણ પ્રારંભ તાત્કાલિક કરી દેવાયો હતો. માત્ર રોડ જ નહી પરંતુ પાણીની મુખ્ય લાઇન નાખવા માટે પણ સરળતા રહેશે તેમ જાણવા મળ્યું છે.
રિંગ રોડનો આ ભાગ ખુલ્લો થઇ જતા હવે ટૂંક સમયમાં વાઘોડિયારોડથી રતનપુર તરફ પૂરપાટઝડપે જઇ શકાશે અને અન્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પાર્વતી ફાર્મની જમીનનો કબજો હજી મળતો નથી
વડોદરાના પૂર્વ વિસ્તારમાં ૭૫ મીટર રિંગ રોડ માટે અડચણ ત્રણ મોટી જમીનો હતી. જે પૈકી વનખાતાની જમીનનો કબજો થોડા સમય પૂર્વે મળતા ત્યાં કામગીરી શરૃ કરાઇ છે. જ્યારે માનસિંગ ઠાકોરની માલિકીની જમીનનો કબજો આજે મળતા હવે આ સ્થળે પણ રોડ બનાવવાની કામગીરી પ્રગતિ પર છે જો કે પાર્વતી ફાર્મની જમીનનો કબજો હજી સુધી મળ્યો નહી હોવાથી રોડનું કામ આ સ્થળે અટકી ગયું છે.
પાણીની લાઇન બાદ હવે ૧૯ સોસાયટીના લોકોને પાણી મળશે
અણખોલ ગામની સીમમાં હનુમાનપુરા નજીકની માનસિંગ ઠાકોરની જમીન રિંગ રોડ બનાવવા માટે ખુલ્લી થતા હવે પીવાના પાણીની મુખ્ય લાઇન નાંખવાનો રસ્તો ખુલ્લો થઇ ગયો છે. પાણીની લાઇન નાંખ્યા બાદ ૧૯ જેટલી સોસાયટીના લોકોને પીવાનુ શુધ્ધ પાણી મળતું થશે. આ જમીન પર હવે રોડ ઉપરાંત પાણીની લાઇન નાંખવાનું કામ પણ શરૃ કરી દેવાયું છે.









