રીક્ષામાં બેઠેલી મહિલાની હાથ ચાલાકી : થેલી કાપી રૂ.96 હજારની સોનાની બુટી ચોરી લઈ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામાં જાહેર રિક્શામાં મુસાફરી દરમિયાન મહિલાની થેલી કાપી રૂ.96 હજારની સોનાની બુટી ચોરી થયાની ઘટના સામે આવી છે. જવેલર્સ પાસેથી નવી ખરીદેલી બુટી થેલીમાં રાખ્યા બાદ અજાણી મહિલા સાથે રિક્શામાં બેઠેલી મહિલાને ઘરે પહોંચતા ચોરીની જાણ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરાના દાલીયાવાડી વિસ્તારમાં રહેતી અને છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ કરતી મીનાબેન દિનેશભાઈ ચુનારાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.26 જુલાઈના રોજ તેઓ ભારતી સ્કૂલ પાછળ રહેતી પુત્રી મેધાના ઘરે ગયા બાદ એમ.જી. રોડ સ્થિત હરિકૃષ્ણ જવેલર્સમાંથી આશરે 5.810 ગ્રામ વજનની રૂ.96 હજાર કિંમતની સોનાની બુટી ખરીદી હતી. ત્યારબાદ તેઓ માંડવી વિસ્તારની અન્ય જવેલર્સ દુકાને ગયા અને પછી લહેરીપુરા દરવાજા પાસે જેઠાણીને નવી બુટી બતાવી હતી.
સાંજે ભારતી સ્કૂલ જવા માટે તેઓ રીક્ષામાં બેઠા ત્યારે એક અજાણી મહિલા પણ સાથે બેસી હતી. મહિલાએ કાળા રંગના જીન્સ જેવા કપડા પહેર્યા હતા અને ચહેરા પર પીળા રંગની ઓઢણી બાંધી હતી. ભારતી સ્કૂલ નજીક તે મહિલા ઉતરી ગઈ, જ્યારે મીનાબેન થોડે આગળ ઉતરી પુત્રીના ઘરે પહોંચ્યા. ત્યાં થેલી તપાસતા નવી ખરીદેલી સોનાની બુટી ગાયબ હતી અને થેલીમાં ધારદાર વસ્તુથી કાપો મારવામાં આવ્યો હોવાનું જણાયું.
ત્યારબાદ પરિવારજનો સાથે રસ્તા અને રીક્ષામાં શોધખોળ કરવા છતાં બુટી મળી આવી નહોતી. જેથી રીક્ષામાં સાથે મુસાફરી કરનાર અજાણી મહિલાએ નજર ચૂકવી થેલી કાપીને સોનાની બુટી ચોરી કરી હોવાની શંકાના આધારે મીનાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી રીક્ષા ચાલક, સાક્ષીઓના નિવેદન તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે અજાણી મહિલાની શોધખોળ શરૂ કરી છે.









