ખાડોદરા : વરસાદે વિરામ લેતાં રસ્તા સમારકામ શરૂ, પરંતુ ખખડધજ રસ્તાઓએ તંત્રની કામગીરી પર ઊભા કર્યા સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં વરસાદે વિરામ લેતાં મ્યુનિ⁴સિપલ કોર્પોરેશને ખખડધજ બની ગયેલા રોડ-રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનરે ચારેય ઝોનના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને પેચવર્ક અને સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, દર ચોમાસે એકસરખી સ્થિતિ સર્જાતી હોવા છતાં માત્ર સમારકામથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તેવી ચર્ચા વચ્ચે તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.
મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે રસ્તાની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ શહેરના નાગરિકો આ દાવા સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે આ વર્ષે વરસાદનું પ્રમાણ અન્ય વર્ષોની સરખામણીએ ઓછું હોવા છતાં શહેરના મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. જો ઓછા વરસાદમાં જ રસ્તાઓની આવી હાલત થઈ હોય તો કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
નાગરિકોના મતે દર વર્ષે ચોમાસા બાદ રસ્તાઓ તૂટી જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. દંડાત્મક કાર્યવાહીની જાહેરાતો થતી રહે છે, પરંતુ તેનો અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો પર કોઈ અસર દેખાતી નથી. રસ્તાની કામગીરી દરમિયાન યોગ્ય સુપરવિઝનના અભાવે અને ગુણવત્તા નિયંત્રણમાં બેદરકારીને કારણે જાહેર નાણાંનો વ્યય થતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
આ ઉપરાંત ભૂગર્ભ માળખાકીય સુવિધાઓના કામ બાદ યોગ્ય રીતે રસ્તાનું પુનઃસ્થાપન કરવામાં ન આવતું હોવાથી પણ વારંવાર રસ્તાઓ બેસી જવા અને ધોવાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાનું નાગરિકોનું કહેવું છે. માત્ર પેચવર્ક અને દંડાત્મક કાર્યવાહીની જાહેરાતો પૂરતી નથી, પરંતુ બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.









