રસ્તાઓના પેચવર્ક આધુનિક પધ્ધતિથી કરવાની માત્ર વાતો !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં ૩ હજાર ખાડાઓના સમારકામ માટે નવી ટેકનિક અપનાવવાની જાહેરાત બાદ પ્રથમ તબક્કાની કામગીરીમાં જ જૂની પદ્ધતિનો ઉપયોગ થતાં મ્યુનિ.કોર્પોરેશનની કામગીરીની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે.
હાલ શહેરના મોટાભાગના માર્ગો ખખડધજ બનતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી હાથ કરાઈ છે. રસ્તા પરના ખાડાનું યોગ્ય સમારકામ થાય તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એફ.ડી.આર. (ફૂલ ડેપ્થ રિપેર ) પધ્ધતિથી સમારકામનો નિર્ણય કરાયો હતો, જેમાં ખાડા આસપાસનો ભાગ મશીનથી ચોરસ કાપી, નુકસાનગ્રસ્ત સ્તર દૂર કરીને સમારકામની જાહેરાત કરાઈ હતી.
આ ઉપરાંત, કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે મ્યુનિ. કમિશ્નરે અધિકારી-કર્મચારીઓને સ્થળ પર હાજર રહી દેખરેખ રાખવાની પણ સૂચના આપી હતી. જોકે આજે વોર્ડ નંબર-૭માં મચ્છીપીઠ વિસ્તારમાં રસ્તા પર ખાડાઓની આસપાસ ચોરસ માર્કિંગ કરવામાં આવ્યું હોવા છતાં મશીનથી કટિંગ કરી એફ.ડી.આર. પદ્ધતિ મુજબ સમારકામ કરવાના બદલે સીધો ડામર પાથરી જૂની પદ્ધતિથી ખાડા પૂરવામાં આવ્યા છે.
ચર્ચા એવી પણ છે કે જો નવી પદ્ધતિનો અમલ કરવો જ ન હતો તો ચોરસ માર્કિંગ કરવાનો હેતુ શું હતો? પરિણામે રસ્તાના ટકાઉ સમારકામના મ્યુનિ.કોર્પોરેશનના દાવાની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે.









