વડોદરામાં સાંજે ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં આજે આખો દિવસ અસહ્ય ગરમી અને બફાટભર્યા વાતાવરણ બાદ સાંજના સમયે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરીને માત્ર થોડા જ સમયમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. જો કે વરસાદ પડતાં જ લોકોને ગરમી અને બફાટમાંથી ક્ષણિક રાહત મળી હતી.
સાંજના સમયે મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો, ચોકો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. ખાસ કરીને ચાર રસ્તાઓ, અંડરપાસ તેમજ મુખ્ય વેપારી મથકો એવા લહેરીપુરારોડ, દાંડિયાબજાર, રાવપુરારોડ, વાઘોડિયારોડ પર પાણી વહેવા લાગતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અનેક સ્થળોએ દ્વિચક્રી વાહનો બંધ પડી જતાં લોકોને ધક્કા મારવાની નોબત આવી હતી.
શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હોવા છતાં, માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ શહેરના અનેક ભાગોમાં પાણી ભરાઈ જતાં ડ્રેનેજ સિસ્ટમની પોલ ખુલ્લી પડી ગઈ હતી. અલકાપુરી ગરનાળું પણ સામાન્ય વરસાદમાં જ પાણી પાણી થઇ જતા વાહનોની અવરજવર એક તબક્કે બંધ થઇ ગઇ હતી.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં દોઢ ઇંચ ઉપરાંત જિલ્લામાં પણ મેઘમહેર રહી હતી. પાદરા તાલુકામાં ૧૨ મિમી, કરજણમાં ૧૧, વાઘોડિયા ૯, ડભોઇ ૨, ડેસર ૨, પાદરા ૧૨ અને શિનોરમાં ૬ મિમી વરસાદ નોંધાયો છે.









