વડોદરામાં સાંજે ધોધમાર તેમજ ડભોઇ, શિનોરમાં તોફાની વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં બે દિવસના વિરામ બાદ આજે સાંજે વરસાદ તૂટી પડયો હતો. ધોધમાર આશરે એક ઇંચ વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ રોડ પર પાણી ફરી વળ્યા હતાં. આ સાથે જ આખો દિવસ ઉકળાટ અનુભવતા લોકોએ વાતાવરણમાં ઠંડક થતા રાહત અનુભવી હતી.
વડોદરામાં જૂન મહિનો કોરો રહ્યા બાદ જુલાઇ માસના પ્રારંભમાં વરસાદે એન્ટ્રી કરી હતી. શુક્રવાર અને શનિવારે સામાન્ય વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી અને મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આજે આખો દિવસ ઉકળાટવાળું વાતાવરણ રહ્યા બાદ સાંજે સાડા સાત વાગ્યા બાદ અચાનક વરસાદે આગમન કર્યું હતું. આ સાથે જ સાંજે ઘર તરફ પ્રયાણ કરનારા લોકો ભારે વરસાદમાં અટવાઇ ગયા હતાં.
આજે સાંજે એક કલાક સુધી વરસાદ આશરે એક ઇંચ પડયો હતો. આ સાથે જ તાપમાનમાં પણ પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સાંજ સુધી મહત્તમ તાપમાન ૩.૨ ડિગ્રી વધીને ૩૬.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧.૯ ડિગ્રી વધીને ૨૮.૧ ડિગ્રી નોંધાયું છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૩ ટકા અને સાંજે ૬૩ ટકા હતું. આ ઉપરાંત ઉત્તર દિશાના ૭ કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ નોંધાઇ છે.
જિલ્લામાં પણ બે તાલુકામાં સાંજે છથી આઠ વાગ્યા સુધીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. ડભોઇ તાલુકામાં માત્ર બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ તેમજ શિનોર તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.









