Baroda

વડોદરાના ગોત્રીમાં મોડી રાત્રે ફ્લેટમાં ફાયરિંગ, બાલ્કનીનો કાચ તોડી ડ્રોઈંગ રૂમમાં ઘૂસી, રહીશોમાં ફફડાટ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા 'એરીના-48' ફ્લેટમાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ફ્લેટ નંબર 201ની બાલ્કનીનો કાચ તોડી ગોળી ડ્રોઇંગ રૂમ સુધી પહોંચી હતી. અજાણ્યા શખ્સો દ્વારા થયેલા આ ફાયરિંગથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વડોદરા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ગોળીના અવશેષો એકત્ર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ગોત્રીમાં મોડી રાત્રે ફ્લેટમાં ફાયરિંગ, બાલ્કનીનો કાચ તોડી ડ્રોઈંગ રૂમમાં ઘૂસી, રહીશોમાં ફફડાટ

Vadodara Firing Incident: વડોદરામાં ફાયરિંગની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ભાયલી વિસ્તારમાં પ્રિયા સિનેમા ચાર રસ્તા નજીક આવેલા 'આરના-48' એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં મધરાતે અચાનક ગોળી ધસી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના કોઈ દુશ્મનાવટ નહીં પરંતુ નજીકમાં પાર્ટી કરી રહેલા મિત્રો દ્વારા કરાયેલું મિસફાયર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ત્રણ શખસોની અટકાયત કરી છે.

મધરાતે જોરદાર અવાજ થયો, તપાસ કરતાં સોફા નીચેથી ગોળી મળી

મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના કોટાના વતની અને હાલ ભાયલીના આરના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201માં પરિવાર સાથે રહેતા શિક્ષિકા રિત યાદવ ગત રાત્રે સુઈ ગયા હતા. આ દરમિયાન રાત્રે આશરે 1 વાગ્યે અચાનક જોરદાર અવાજ થતાં તે અને તેના માતા-પિતા જાગી ગયા હતા. ઘરમાં તપાસ કરતાં રૂમની બારીનો કાચ તૂટેલો હતો અને તેમાં કાણું પડી ગયું હતું. એટલું જ નહીં, એ ગોળી બારી સોંસરવી નીકળીને દરવાજાની આરપાર થઈ ગઈ હતી. ત્યારબાદ હોલમાં તપાસ કરતાં સોફા નીચેથી એક ગોળી મળી આવી હતી. ઘટનાને પગલે ગભરાયેલા પરિવારે આસપાસના લોકોને એકઠા કરી તાત્કાલિક તાલુકા પોલીસને જાણ કરી હતી.

પાર્ટીમાં નશાની હાલતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા!

તાલુકા પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જે ફ્લેટ પર ગોળી વાગી તેનાથી અંદાજે 150થી 200 મીટર દૂર આવેલા અન્ય એક એપાર્ટમેન્ટની ઓફિસમાં ગઈકાલે રાત્રે પાંચ મિત્રો પાર્ટી કરવા બેઠા હતા. આ દરમિયાન રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયર થયા હતા, જેમાંથી એક ગોળી સીધી શિક્ષિકાના ઘરમાં ઘૂસી ગઈ હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને ત્રણ જણાને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે ફરાર શખસોની શોધખોળ ચાલુ છે. રિવોલ્વર કોની હતી અને ફાયરિંગ કઈ રીતે થયું તેની તપાસ ચાલી રહી છે, જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ઈરાદાપૂર્વક કરાયેલું હુમલાનું ફાયરિંગ નહોતું.

થોડા દિવસો પહેલા જ વાઘોડિયા ચોકડી પર કારચાલક પર ફાયરિંગ થયું હતું

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ફાયરિંગની આ બીજી ઘટના છે. ગત 26મી જૂને રાત્રે વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા ગામ તરફ જતા રસ્તા પર દિલ્હીના એક વેપારીની કાર પર બાઈક સવાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના 6 દિવસ વીતી જવા છતાં હજી સુધી વાઘોડિયા પોલીસના હાથે આરોપીઓ ઝડપાયા નથી, ત્યાં જ પોશ વિસ્તાર ગણાતા ભાયલીમાં ફાયરિંગની આ બીજી ઘટના બનતાં સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.