દર મહિને રૂ. 1 કરોડનો ખર્ચ છતાં શહેરમાં રખડતા કરડતા પશુઓનો ત્રાસ યથાવત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. રખડતા પશુઓ જાહેર માર્ગો પર અડિંગો જમાવી રહ્યા છે તો બીજી તરફ રખડતા કૂતરાઓ લોકો પર હુમલા કરી બચકા ભરવાના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. પરિણામે નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ખાસ કરીને રાત્રે 11 વાગ્યા બાદ શહેરના અનેક મુખ્ય માર્ગો પર ગાયોના જમાવડા જોવા મળતા હોવાથી વાહનચાલકોને જોખમ વચ્ચે પસાર થવું પડે છે. કેટલાક વિસ્તારોમાં તો પશુઓ રસ્તાની વચ્ચે જ બેસી જતાં ટ્રાફિક અવરોધાય છે અને વાહનચાલકોને રાહ જોવી પડે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બા શાખા મારફતે રખડતા પશુઓને પકડવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ઉપરાંત પશુઓને શહેરની બહાર ખસેડવા માટે યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. તેમ છતાં શહેરમાં રખડતા પશુઓની સંખ્યામાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ પણ કેટલાક ગોપાલકો જાહેર રસ્તાઓ પર ગાયોને દોડાવી રહ્યા છે, જેના કારણે અકસ્માતની શક્યતા વધી રહી છે. આ સમગ્ર સ્થિતિથી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ વાકેફ હોવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની ચર્ચા ચાલી રહી છે.









