Baroda

વડોદરા: કારેલીબાગ હિટ એન્ડ રનના આરોપી રક્ષિત ચોરસીયાને ઝટકો, ગુજરાત બહાર જવાની અરજી હાઈકોર્ટે નકારી

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ચકચારી કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની ગુજરાત છોડવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા 30 દિવસ માટે વારાણસી જવાની પરવાનગી માંગવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું કે કારણ વ્યાજબી નથી અને ટ્રાયલ દરમિયાન આરોપીની હાજરી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, હોળીની રાત્રે રક્ષિતે નશામાં કાર ચલાવી 1 મહિલાનો ભોગ લીધો હતો અને 7ને ઘાયલ કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: કારેલીબાગ હિટ એન્ડ રનના આરોપી રક્ષિત ચોરસીયાને ઝટકો, ગુજરાત બહાર જવાની અરજી હાઈકોર્ટે નકારી
ફાઈલ તસવીર

Vadodara News: વડોદરાના ખૂબ જ ચકચારી કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાના ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ તેણે 30 દિવસ માટે ગુજરાતની હદ છોડવા અરજી કરતા અદાલતે તે નામંજૂર કરી છે. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, અરજદારે ગુજરાતની હદ છોડવા માટે જે કારણ દર્શાવ્યું છે તે વ્યાજબી જણાતું નથી.

એક મહિલાનું મોત થયું હતું
કેસની વિગત એવી છે કે, તા. 13 માર્ચ 2025ના રોજ (હોળીની રાત્રે) વડોદરાના કારેલીબાગ સ્થિત આમ્રપાલી કોમ્પલેક્સ પાસે રક્ષિત રવિશભાઇ ચોરસીયાએ નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવી 8 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે કારની સ્પીડ 140 કિ.મી. પ્રતિ કલાકની હતી. અકસ્માત બાદ કારમાંથી બહાર નીકળી રક્ષિતે "અનધર રાઉન્ડ" એવી બૂમો પાડી હતી, જેનો વીડિયો દેશભરમાં વાઇરલ થતાં ભારે ચકચાર મચી હતી.

આધ્યાત્મિક સમારોહમાં ભાગ લેવા મંજૂરી માંગી
આ કેસમાં પોલીસે રક્ષિત ચોરસીયાની ધરપકડ કર્યા બાદ ગુજરાત હાઇકોર્ટે તેની જામીન અરજી મંજૂર કરી હતી. જેમાં શરત રાખવામાં આવી હતી કે અદાલતની મંજૂરી વગર ગુજરાતની હદ છોડવી નહીં. આથી તેણે ધાર્મિક અને આધ્યાત્મિક સમારોહમાં ભાગ લેવા તેમજ મનોકામના પૂર્ણ કરવા પોતાના વતન વારાણસી (ઉત્તરપ્રદેશ) જવા 30 દિવસ માટે ગુજરાતની હદ છોડવાની પરવાનગી માગી હતી. સુનાવણી દરમિયાન બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે આરોપી નાસી જાય તેવો નથી અને કેસમાં ચાર્જશીટ પણ થઈ ગઈ છે.

જ્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે અને માત્ર પૂજા-પાઠ માટેનું કારણ વ્યાજબી નથી. વિદેશમાં રહેતા લોકો પણ વીડિયો કોલથી ધાર્મિક વિધિમાં હાજરી આપે છે, તેથી આરોપી પણ આ રીતે હાજરી આપી શકે છે એટલે તેની અરજી નામંજૂર કરવી જોઇએ. ન્યાયાધીશે રક્ષિતની અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, અરજદાર આરોપી ઉત્તરપ્રદેશનો વતની હોવાથી ટ્રાયલ દરમિયાન તેની હાજરી અને ઓળખની જરૃરિયાતને ધ્યાને લેતા તેને ગુજરાત બહાર જવાની પરવાનગી આપી શકાય નહીં.