Baroda

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં ફેરફારને લઈ ફરી વિવાદ

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં ફેરફારને લઈ નવો વિવાદ સર્જાયો છે. અત્યાર સુધી ઝોન મુજબ અપાતા કોન્ટ્રાક્ટ હવે આખા શહેરનો ઇજારો એક જ કોન્ટ્રાક્ટરને સોંપવાની પેરવી થતા નાના કોન્ટ્રાક્ટરો ચિંતિત બન્યા છે. તેમને રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ છે. ઉચ્ચ અધિકારીઓ અને મોટા કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠના આક્ષેપો સાથે નાના કોન્ટ્રાક્ટરોએ ઝોનવાઈઝ ઇજારા ચાલુ રાખવા રજૂઆત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં ફેરફારને  લઈ ફરી વિવાદ

Vadodara Corporation : સમગ્ર શહેરનો ઇજારો એક જ કોન્ટ્રાક્ટરને આપવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં કરવામાં આવી રહેલા ફેરફારોને લઈને વધુ એક વિવાદ ઊભો થયો છે. અત્યાર સુધી ઝોન મુજબ અલગ-અલગ કોન્ટ્રાક્ટરોને ઇજારા આપવામાં આવતા હતા, પરંતુ હવે સમગ્ર શહેરનો ઇજારો એક જ કોન્ટ્રાક્ટરને સોંપવાની પેરવી થઈ રહી હોવાના આક્ષેપો સામે આવતા નાના કોન્ટ્રાક્ટરોમાં ભારે ચિંતા વ્યાપી છે. આ નિર્ણય અમલમાં આવશે તો નાના કોન્ટ્રાક્ટરોની રોજીરોટી છીનવાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાજેતરમાં માનવબળ પૂરું પાડવાના ડી.જી. નાકરાણીની દરખાસ્તને લઈને ભારે વિરોધ થયો હતો. વિરોધ બાદ કોર્પોરેશને ઝોન વાઈઝ ઇજારા આપવાનો નિર્ણય કર્યો હતો. તે વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં હવે રોડ પ્રોજેક્ટ શાખામાં વગ ધરાવતા એક મોટા કોન્ટ્રાક્ટરને સમગ્ર શહેરનો કોન્ટ્રાક્ટ આપવાની પેરવી શરૂ થતાં ફરી વિવાદ સર્જાયો છે.
આ મામલે નાના કામો કરતા કોન્ટ્રાક્ટરોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી અગાઉની જેમ ઝોન પ્રમાણે જ ઇજારા આપવા માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો સમગ્ર શહેરનો કોન્ટ્રાક્ટ એક જ એજન્સીને આપવામાં આવશે તો નાના કામો કરતા કોન્ટ્રાક્ટરો માટે સ્વતંત્ર રીતે કામ કરવાની તક નહીં રહે અને તેમને આવા મોટા કોન્ટ્રાક્ટરના મજૂર બનીને કામ કરવાની ફરજ પડશે.
કોન્ટ્રાક્ટરોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકાર લોકલ ફોર વોકલનો અભિગમ અપનાવવાની વાત કરે છે, પરંતુ કોર્પોરેશનની આ પ્રકારની નીતિ સ્થાનિક કોન્ટ્રાક્ટરોના હિતોને નુકસાન પહોંચાડશે અને તેમની રોજગારી જોખમમાં મૂકી દેશે.
દરમિયાન, કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ અને મોટા કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે, જેના કારણે સમગ્ર શહેરનો ઇજારો એક જ કોન્ટ્રાક્ટરને આપવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.