વડોદરામાં કુખ્યાત હેરી લુધવાણી ગેંગના વધુ એક સાગરિત અનિલ ઉર્ફે બોબડા બુધવાણીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime News : વારસીયાની બીજી કુખ્યાત બૂટલેગર ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ આ ગેંગના વધુ એક સાગરીતને પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ 30 દિવસના રિમાન્ડની માગણી કરતા ન્યાયાધીશે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સંગઠિત ગેંગ બનાવી વિદેશી દારૂનું કરોડોનું સામ્રાજ્ય ઉભુ કરનારી હેરી લુધવાણી ગેંગના સુત્રધાર અને તેના આઠ સાગરીતો સામે તાજેતરમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ ગઇકાલે પોલીસે રીઢા ગુનેગાર અને ગેંગના સાગરીત અનિલ ઉર્ફે બોબડો કિશનચંદ બુધવાણી (રહે. વારસીયા, વડોદરા)ને ઝડપી પાડયો હતો અને તેને કોર્ટમાં રજૂ કરી 30 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.
આરોપી અનિલ ઉર્ફે બોબડાના રિમાન્ડની માગણી કરતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપી વિરુદ્ધ અગાઉ 19 ગુનાઓ નોંધાયેલા છે અને તેની બે વાર પાસા હેઠળ ધરપકડ થઇ છે. આરોપી ખૂબ જ શાતિર હોવાથી અને પૂછપરછમાં ટુકડે-ટુકડે જવાબો આપતો હોવાથી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૃર છે. તપાસ દરમિયાન ગેંગ દ્વારા એકત્રિત કાળા નાણાંનું અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે દુકાન ધરાવતા મિત્ર મારફતે કરાયેલા રોકાણની તપાસ કરવાની છે.
ગુનામાં વપરાયેલા બોગસ સિમકાર્ડ, કોડ નેમ તેમજ મોબાઇલ શોધીને સીડીઆર આધારે આંતરિક સંપર્કો મેળવવા તેમજ અગાઉ પકડાયેલા અને હાલના આરોપીઓનું સામસામે ક્રોસ ઇન્ટ્રોગેશન કરવું જરૂરી છે. પરપ્રાંતમાંથી ગેરકાયદે ઇંગ્લિશ દારૃનો જથ્થો લાવવાના રૂટ અને એપીએમસી માર્કેટ નજીકના ડિલિવરી સ્થળોની તપાસ કરવાની છે. આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આશ્રય આપનારા શખ્સોની અને નેટવર્કની તપાસ કરવાની છે તેવી રજૂઆત બાદ ન્યાયાધીશે આરોપીના તા. 10મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.









