Baroda

વડોદરાના વાઘોડિયામાં પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ સળગાવનાર પ્રેમી ઝડપાયો: લગ્નેતર સંબંધો કારણભૂત, આરોપીનો ગુનાહિત ઈતિહાસ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે 26 ઓગસ્ટે ખેતરની ઓરડીમાંથી સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે તપાસ કરતા લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનું બહાર આવ્યું. મૃતક લક્ષ્મીબહેન રોહિત અને વિષ્ણુ મકવાણા વચ્ચે પ્રેમસંબંધ હતો. 25 ઓગસ્ટે ઝઘડામાં વિષ્ણુએ લક્ષ્મીની હત્યા કરી મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે 12 ગુનાના આરોપી વિષ્ણુ મકવાણાની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વાઘોડિયામાં પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ સળગાવનાર પ્રેમી ઝડપાયો: લગ્નેતર સંબંધો કારણભૂત, આરોપીનો ગુનાહિત ઈતિહાસ

Vadodara Waghodia News: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામના એક ખેતરની ઓરડીમાંથી ગત 26 ઓગસ્ટના રોજ સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર કેસ મામલે વાઘોડિયા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના હત્યા પાછળ લગ્નેતર સંબંધો કારણભૂત હતા. આ કેસમાં વાઘોડિયા પોલીસે બે શકમંદોને ઝડપી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોલીસે 12 ગુનાના મુખ્ય આરોપી વિષ્ણુ મકવાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે ભાલીયા ફળિયામાં રહેતા જયેશ માવજીભાઇ ભાલીયાના ખેતરમાં ઘાસચારા માટે બનાવવામાં આવેલી ઓરડીમાં હત્યા કરીને ફેંકી દેવાયેલો મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મહિલાનો મૃતદેહ સળગેલી હાલતમાં હતો. આ ઘટનામાં વાઘોડિયા પોલીસે તપાસ કરતાં મળેલા આધાર કાર્ડના આધારે મૃતકનું નામ લક્ષ્મીબહેન ગિરીશભાઈ રોહિત(ઉં.વ.50, રહે. પહેલું ફળિયું, ભાદરવા) હોવાનું જાણવા મળ્યું હતું. વાઘોડિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ અનુસાર, મંજૂસર સ્થિત એક કંપનીમાં મૃતક લક્ષ્મી અને સાવલીનો વિષ્ણુ મકવાણા સાથે નોકરી કરતાં હતા, ત્યારે એકબીજાના પરિચયમાં આવ્યા બાદ પ્રેમસંબંધમાં જોડાયા હતા. ગત 25 ઓગસ્ટના રોજ બાઈકથી જઈ રહેલા વિષ્ણુ અને લક્ષ્મી વચ્ચે ગુતાલ ગામ પાસેની અવવારું જગ્યાએ ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થતાં વિષ્ણુએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લક્ષ્મીની હત્યા નીપજાવી દીધી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી વિષ્ણુએ મૃતક મહિલાનો મૃતદેહ એક ખેતરીની ઓરડીમાં મૂક્યા બાદ જ્વલનશીલ પદાર્થ છાંટીને મૃતદેહ સળગાવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: સુરત: માંડવીના 'નિધિ પટેલ લૂંટ વિથ મર્ડર' કેસમાં SITની રચના, SP-ASP અને 4 PI સહિત પોલીસની 20 ટીમો લૂંટારુંઓની શોધમાં

આરોપીની ધરપકડ

સમગ્ર મામલે પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી આરોપી વિષ્ણુને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ હત્યાની કબૂલાત કરી હતી. આમ, પોલીસે ફરિયાદ અને તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી વિષ્ણુ મકવાણા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. રાજ્યના અલગ-અલગ પોલીસ આરોપી વિષ્ણુ સામે 12 જેટલાં ગુના પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું જણાય છે.