વડોદરા મગર હુમલાનો કેસ: પાદરાના મેઢાદની 12 વર્ષની કિશોરીનો 24 કલાક બાદ વિશ્વામિત્રી નદીમાંથી મૃતદેહ મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામે એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. વિશ્વામિત્રી નદીના પાણી જોવા ગયેલી 12 વર્ષની કિશોરી પર મગરે હુમલો કરી તેને પાણીમાં ખેંચી લીધી હતી. ફાયર બ્રિગેડ અને SDRF ની ટીમ દ્વારા હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશન બાદ આજે સવારે કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મેઢાદ ગામે રહેતી અને ધોરણ-6 માં અભ્યાસ કરતી હેતલ રાઠોડિયા નામની માસૂમ બાળકી પોતાના દાદા, ભાઈ અને બહેન સાથે ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી જોવા માટે ગઈ હતી. આ દરમિયાન નદીમાં રહેલા એક મહાકાય મગરે અચાનક હુમલો કરી બાળકીને પાણીમાં ખેંચી લીધી હતી.
મોડી સાંજ સુધી શોધખોળ બાદ આજે મળ્યો મૃતદેહ
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની 2 ટીમો અને SDRF ની 1 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નદીમાં કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. ગઈકાલે મોડી સાંજ સુધી કોઈ પત્તો ન લાગતા રાત્રિના સમયે સર્ચ ઓપરેશન અટકાવવું પડ્યું હતું. આજે સવારે ફરીથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ઘટનાસ્થળની સામેના કિનારેથી કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પંચનામું કરી પીએમ અર્થે ખસેડાયો
રેસ્ક્યુ ટીમે મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે જરૂરી કાગળિયા અને પંચનામાની કામગીરી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યો છે. માસૂમ બાળકીના કરુણ મોતથી મેઢાદ ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.









