ગુજરાત સમાચારના અહેવાલના પડઘા: 68 કરોડના ખર્ચે બનેલી વેજીટેબલ માર્કેટમાં હવે ફેરિયાઓને ફોર્સફુલી બેસાડાશે! સ્ટેન્ડિંગ કમિટીની એસ્ટેટ વિભાગને સૂચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC On Ahmedabad Vegetable Market Street Vendors: અમદાવાદમાં શાકભાજી અને ફળના ફેરિયાઓને રોડ-ફૂટપાથ પરથી ખસેડીને વ્યવસ્થિત જગ્યા આપવાના હેતુથી કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વેજીટેબલ માર્કેટ તૈયાર કરવામાં આવી છે. જોકે, 68 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ છતાં અનેક માર્કેટમાં થડા ખાલી પડ્યા છે અને બીજી તરફ ફેરિયાઓ હજુ પણ રસ્તા અને ફૂટપાથ પર ધંધો કરી રહ્યા છે. આ અંગે 'ગુજરાત સમાચાર'માં 16 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ થયેલા ગ્રાઉન્ડ રિપોર્ટના પડઘા હવે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં પડ્યા છે. ગુરુવારે(10 સપ્ટેમ્બર) મળેલી બેઠકમાં તૈયાર થયેલી માર્કેટમાં વેપારીઓને બેસાડવા માટે હવે કડક અમલવારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને નાગરિકોને એક જ સ્થળે સરળતાથી શાકભાજી મળી રહે તે હેતુથી વિવિધ વિસ્તારોમાં શાકભાજીના થડા અને માર્કેટ બનાવવામાં આવ્યા છે. જોકે, કેટલીક જગ્યાએ થડા ખાલી રહેતા હોવાનું અને વેપારીઓ ફાળવાયેલી જગ્યાએ ધંધો કરતા ન હોવાનું બેઠકમાં ધ્યાન પર આવ્યું હતું. ચર્ચા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે કેટલીક માર્કેટમાં વેપારીઓ ન હોવાથી ત્યાં ગ્રાહકો પણ શાકભાજી ખરીદવા જતા નથી. પરિણામે વેપારીઓ અને ગ્રાહકો બંને ન હોવાથી તૈયાર કરવામાં આવેલી માર્કેટનો ઉપયોગ અપેક્ષા મુજબ થઈ રહ્યો નથી. આ સ્થિતિને પગલે હાલ નવા વેજીટેબલ માર્કેટ બનાવવાનું કામ બંધ રાખવામાં આવ્યું છે. હવે પહેલાથી તૈયાર થયેલી માર્કેટ અને થડાંનો મહત્તમ ઉપયોગ થાય તે માટે અમલવારી કરવામાં આવશે.
ડ્રોમા થડું મળ્યું છે તો ત્યાં જ બેસવું પડશે
સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી છે કે, ડ્રો દ્વારા જે વેપારીઓને થડા ફાળવવામાં આવ્યા છે તેમને પોતાની ફાળવાયેલી જગ્યાએ જઈને જ વેપાર કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે. અગાઉ વેપારીઓને સમજાવીને ફાળવાયેલા થડા પર બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. હવે જ્યાં જરૂરી જણાય ત્યાં કડકાઈપૂર્વક કાર્યવાહી કરીને વેપારીઓને તેમની ફાળવાયેલી જગ્યાએ જ ધંધો કરવા માટે મજબૂર કરવામાં આવશે. સાથે જ જે લોકોને ડ્રો મારફતે કોઈ થડું ફાળવવામાં આવ્યું નથી અને તેઓ ગેરકાયદે રીતે રોડ પર ઊભા રહીને દબાણ કરતા હશે તેમને પણ તે સ્થળેથી દૂર કરવામાં આવશે. આમ કોર્પોરેશન હવે બે સ્તરે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. એક તરફ ફાળવણી થયેલા વેપારીઓને માર્કેટમાં બેસાડવામાં આવશે અને બીજી તરફ ફાળવણી વગર રસ્તા-ફૂટપાથ પર બેસતા ફેરિયાઓ સામે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
19 માર્કેટ બની, પણ રોડ પર દબાણ યથાવત્
શહેરમાં કુલ 31 વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી 19 માર્કેટ તૈયાર થઈ ચૂકી છે, જ્યારે અગાઉની સ્થિતિ મુજબ કેટલીક જગ્યાએ કામગીરી ચાલી રહી છે અને કેટલીક જગ્યાએ માર્કેટ નહીં બનાવવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 'ગુજરાત સમાચાર'ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં 19 પૈકીની વિવિધ માર્કેટની સ્થિતિ તપાસવામાં આવી હતી. તેમાં મોટાભાગની જગ્યાએ થડા ખાલી જોવા મળ્યા હતા, જ્યારે શાકભાજી અને ફળના વેપારીઓ માર્કેટની બહાર ફૂટપાથ પર ધંધો કરતા જોવા મળ્યા હતા. આ સ્થિતિએ કરોડોના ખર્ચે માર્કેટ બનાવવાના મૂળ હેતુ સામે જ સવાલ ઊભો કર્યો હતો.
વેપારીઓ નહીં તો ગ્રાહકો પણ નહીં
સ્ટેન્ડિંગ કમિટીની ચર્ચામાં માર્કેટ ખાલી રહેવાનું એક કારણ ગ્રાહકોનો અભાવ પણ હોવાનું સામે આવ્યું છે. વેપારીઓ ન બેસે એટલે ગ્રાહકો આવતા નથી અને ગ્રાહકો ન આવે એટલે વેપારીઓ માર્કેટમાં ધંધો કરવા તૈયાર થતા નથી. હવે કોર્પોરેશન સામે આ ચક્ર તોડવાનો પડકાર છે. જો તમામ ફાળવાયેલા થડાં ભરાય અને રસ્તા-ફૂટપાથ પરના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી થાય તો માર્કેટમાં ગ્રાહકોની અવરજવર વધવાની શક્યતા છે.




