Ahmedabad

અમદાવાદ: ગણેશ મહોત્સવના આયોજકો માટે ગાઇડલાઇન જાહેર, જાણી લો નિયમો નહીં તો બેદરકારી બદલ થઈ શકે છે કાર્યવાહી

By GS Team
10 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈ ફાયર વિભાગે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પંડાલના બાંધકામથી લઈ ઇમરજન્સી એક્ઝિટ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને ફાયર સેફ્ટીના સાધનોની કડક જોગવાઈઓ કરાઈ છે. નિયમભંગ થશે તો પોલીસ અને ફાયર વિભાગ સંયુક્ત રીતે નોટિસ આપી, મંડપ સીલ કરશે. 500 ચો.મી.થી મોટા પંડાલ માટે NOC ફરજિયાત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગણેશ મહોત્સવના આયોજકો માટે ગાઇડલાઇન જાહેર, જાણી લો નિયમો નહીં તો બેદરકારી બદલ થઈ શકે છે કાર્યવાહી

Ahmedabad Ganesh Pandal Fire Safety Guidelines: અમદાવાદમાં આગામી ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ પંડાલોમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા વિશેષ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ફાયર વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત બેઠક બાદ તૈયાર કરાયેલી આ માર્ગદર્શિકામાં મંડપના બાંધકામથી લઈને ઇમરજન્સી એક્ઝિટ, ઇલેક્ટ્રિક વાયરિંગ અને ફાયર સેફ્ટીના સાધનો સુધીની કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

તંત્રે સ્પષ્ટતા કરી છે કે જો નિયમોનું યોગ્ય પાલન નહીં થાય તો પોલીસ અને ફાયર વિભાગ સંયુક્ત રીતે નોટિસ આપીને મંડપ સીલ કરવાની તેમજ બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

ગણેશ પંડાલ માટેના મુખ્ય ફાયર સેફ્ટી નિયમો:

સ્થાન અને જગ્યાની પસંદગી:ગણેશ મંડપ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું નિર્માણ સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થોના ગોડાઉન, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઇ ટેન્શન લાઇન અને રેલવે લાઇનથી સુરક્ષિત અંતરે કરવાનું રહેશે. ફાયર બ્રિગેડના વાહનો સરળતાથી આવી શકે તે માટે રસ્તાઓ એકદમ ખુલ્લા રાખવા ફરજિયાત છે.

શ્રદ્ધાળુઓની ક્ષમતા અને બેઠક વ્યવસ્થા: પંડાલની ક્ષમતા મુજબ જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા રાખવાની રહેશે. સીટિંગ એરેન્જમેન્ટમાં દર 10 રો અને 10 બેઠકો બાદ ઓછામાં ઓછો 1.5 મીટર પહોળો પેસેજ રાખવો પડશે.

ઇમરજન્સી એક્ઝિટ અને સાઇનેજ: મંડપમાં ફિક્સ પાર્ટિશન પર પ્રતિબંધ છે. કટોકટીના સમયે લોકો સુરક્ષિત બહાર નીકળી શકે તે માટે સામસામેની દિશામાં ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે. બહાર નીકળવાનું ટ્રાવેલિંગ ડિસ્ટન્સ 15 મીટરથી વધુ ન હોવું જોઈએ. પંડાલમાં 'નો સ્મોકિંગ ઝોન' અને 'એક્ઝિટ'ના સ્પષ્ટ બોર્ડ લગાવવા પડશે.

જ્વલનશીલ સામગ્રી અને સ્ટોલ પર પ્રતિબંધ: પંડાલની અંદર કોઈ પણ પ્રકારના વેપારી સ્ટોલ બનાવી શકાશે નહીં. સ્ટેજની આસપાસ કે નીચે આગ પકડે તેવા ઘન કે પ્રવાહી પદાર્થો, એલપીજી સિલિન્ડર, રસોઈ સામગ્રી કે ફટાકડા રાખવા પર સંપૂર્ણ મનાઈ છે. આ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે.

ઇલેક્ટ્રિક વાયરિંગ અને AC પંડાલ: વીજળીનું કામકાજ પ્રવર્તમાન વીજ અધિનિયમ મુજબ ગવર્મેન્ટ એપ્રુવ્ડ ઇલેક્ટ્રિકલ ઇજનેર પાસે ચકાસાવવું પડશે. વાયરિંગમાં PVC અથવા ટફ રબર વલ્કેનાઇઝ્ડ વાયર જ વાપરવાના રહેશે. AC પંડાલના કિસ્સામાં પરદા અને કાર્પેટ પર ફાયર રિટાર્ડન્ટ પેઇન્ટ કરાવવું ફરજિયાત છે.

24 કલાક પ્રશિક્ષિત સ્ટાફ અને સેલ્ફ ડિક્લેરેશન: ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરી શકે તેવા 2 પ્રશિક્ષિત વ્યક્તિઓને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પંડાલમાં રાખવા પડશે. આયોજકોએ ₹300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાનું રહેશે, ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ આઇડેન્ટિફિકેશન આપવામાં આવશે. પંડાલની બહાર આયોજક અને ફાયર સ્ટાફના નંબર તેમજ ઇમરજન્સી નંબર દર્શાવવા પડશે.

500 ચોરસ મીટરથી નાના પંડાલ માટે NOCની જરૂર નથી

ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવ માટે પોલીસ સાથે મળીને આ ગાઇડલાઇન તૈયાર કરાઈ છે અને આખરી મંજૂરી માટે કમિશનર/DyMC સમક્ષ મૂકવામાં આવી છે. આયોજકોએ મુખ્ય મંજૂરી કે લાયસન્સ પોલીસ પાસેથી જ મેળવવાનું રહેશે. જો પંડાલ 500 ચોરસ મીટરથી મોટો હોય તો જ ફાયર વિભાગનું NOC લેવું પડશે, નાના પંડાલો માટે NOCની જરૂર નથી.

તેમણે વધુમાં ઉમેર્યું કે ફાયર વિભાગની ટીમ સરપ્રાઇઝ વિઝિટ કરીને ચેકિંગ કરશે. આ એક ધાર્મિક પ્રસંગ હોવાથી પ્રાથમિક તબક્કે નિયમભંગ જણાશે તો આયોજકોને સુધારો કરવા સમજાવવામાં આવશે, પરંતુ જો અમલ નહીં થાય તો આગળની કાર્યવાહી પોલીસ વિભાગ કરશે. આ ગાઇડલાઇન જાહેર કરવાનો મુખ્ય હેતુ આગામી નવરાત્રી ઉત્સવમાં મોટા એસી ડોમ માટે પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ છે.

35f3713d-ec4c-4b01-a346-e42f781343ec.jpg
2c16b354-7785-4213-8971-6c4ddccc91c6.jpg