ગ્રાઉન્ડ રિપોર્ટ: AMCનો મેગા પ્લાન ફ્લોપ! અમદાવાદમાં શાકમાર્કેટ બની, થડા તૈયાર છતાં ફેરિયાઓ ફૂટપાથ પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Vegetable Market: અમદાવાદ શહેરમાં રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી-ફળનું વેચાણ કરતા ફેરિયાઓને વ્યવસ્થિત જગ્યા આપી છે, જાહેર રસ્તાઓ પરનું દબાણ અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં 31 વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી 19 જગ્યાએ માર્કેટ તૈયાર થઈ ગઈ છે, બે જગ્યાએ કામ ચાલી રહ્યું છે, ચાર જગ્યાએ માર્કેટ નહીં બનાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, આ સમગ્ર યોજનામાં અત્યાર સુધીમાં 68 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં મૂળ હેતુ જ અધૂરો રહ્યો છે. એક તરફ તૈયાર થયેલી અનેક માર્કેટમાં ફેરિયાઓ બેસતા નથી અને બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં શાકભાજી તથા ફળના વિક્રેતાઓ આજે પણ રોડ અને ફૂટપાથ પર જ ધંધો કરી રહ્યા છે. પરિણામે ટ્રાફિક અને જાહેર માર્ગો પરના દબાણની સ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી.
કોર્પોરેશનનો મૂળ ઉદ્દેશ શાકભાજી અને ફળના ફેરિયાઓને નિર્ધારિત જગ્યાએ ખસેડવાનો હતો, જેથી રસ્તા અને ફૂટપાથ રાહદારીઓ તથા વાહનવ્યવહાર માટે ખુલ્લા થઈ શકે. પરંતુ ગ્રાઉન્ડ પરની સ્થિતિ જોતા જ્યાં ફેરિયાઓ પહેલાં બેસતા હતા ત્યાં આજે પણ બેસે છે અને બીજી તરફ તેમના માટે બનાવાયેલી માર્કેટ ખાલી પડી છે. એટલે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જે સમસ્યા દૂર કરવા માટે યોજના બનાવાઈ હતી તે યથાવત્ છે.

19 માર્કેટ તૈયાર, મોટાભાગે થડા ખાલી
'ગુજરાત સમાચાર' દ્વારા 19 પૈકી છ વેજીટેબલ માર્કેટની ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવામાં આવી હતી. જેમાં માત્ર ગોતા વિસ્તારમાં દેવનગર ગામમાં આવેલી વેજીટેબલ માર્કેટમાં મોટાભાગના થડા ભરાયેલા જોવા મળ્યા હતા. ચાંદલોડિયામાં માત્ર બે-ચાર લોકો જ ધંધો કરતા જોવા મળ્યા હતા. જ્યારે બોડકદેવમાં માર્કેટની અંદર થડા ખાલી પડ્યા હતા અને મોટાભાગના શાકભાજી અને ફળના વિક્રેતાઓ બહાર ફૂટપાથ પર બેસીને ધંધો કરતા જોવા મળ્યા હતા. આ સ્થિતિ દર્શાવે છે કે માર્કેટ ઊભી કરવામાં આવી છે, પરંતુ ફેરિયાઓને તેમાં ખસેડવાની પ્રક્રિયા અસરકારક રીતે અમલમાં આવી નથી.
ત્રણ માર્કેટનું લોકાર્પણ, છતાં વેપારીઓનો અભાવ
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જોધપુર વોર્ડમાં બે અને સરખેજ વોર્ડમાં એક વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવી છે. આ ત્રણેય માર્કેટનું ઓક્ટોબર 2025માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, લોકાર્પણ બાદ પણ ત્રણેય માર્કેટમાં વેપારીઓનો પૂરતો ધસારો જોવા મળ્યો નથી.
સરખેજ વોર્ડમાં કૃષ્ણધામ આવાસની બાજુમાં બનાવવામાં આવેલી વેજીટેબલ માર્કેટમાં ફેરિયાઓની જગ્યાએ કૂતરાં બેસતા જોવા મળ્યા હતા. જોધપુર વોર્ડમાં શક્તિમાતાના મંદિર પાસે આવેલી માર્કેટમાં થડા માટેની જગ્યામાં પાણી ભરાયેલું હતું. જ્યારે પ્રહ્લાદનગર ગાર્ડન પાસે બનાવવામાં આવેલી માર્કેટમાં મંડપ બાંધવામાં આવ્યો હતો અને ધાર્મિક કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી. આસપાસના કેટલાક રહેવાસીઓના જણાવ્યા મુજબ રાત્રિના સમયે અહીં વોલીબોલ પણ રમાય છે.

માર્કેટની અંદર થડા ખાલી, બહાર ફૂટપાથ પર ધંધો
બોડકદેવ વોર્ડમાં માનસી સર્કલ પાસે બનાવવામાં આવેલી વેજીટેબલ માર્કેટમાં મોટાભાગના થડા ખાલી જોવા મળ્યા હતા. બીજી તરફ શાકભાજી અને ફળના વિક્રેતાઓ માર્કેટની બહાર ફૂટપાથ પર બેસીને ધંધો કરતા જોવા મળ્યા હતા. અહીંના શાકભાજી વિક્રેતા લાલુરામે જણાવ્યું હતું કે માનસી, મધર ડેરી અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં બેસતા ફેરિયાઓને અહીં લાવવા માટે માર્કેટ બનાવવામાં આવી હતી. શરૂઆતમાં ફેરિયાઓ આવ્યા હતા, પરંતુ ગ્રાહકો ન આવતા ધંધો ન ચાલ્યો અને તેઓ પોતાની જૂની જગ્યાએ પરત જતા રહ્યા. તેમના જણાવ્યા મુજબ કોર્પોરેશને ફેરિયાઓને માર્કેટમાં લાવવા માટે કડકાઈ કરવાની સાથે ત્યાં ગ્રાહકો આવે તેવી વ્યવસ્થા કરવી પડશે.
વેપારીઓ નહીં તો ગ્રાહકો પણ નહીં
ચાંદલોડિયાની વેજીટેબલ માર્કેટમાં પણ બે-ચાર લોકો જ ધંધો કરતા જોવા મળ્યા હતા. કેટરિંગનો વ્યવસાય કરતા અંકિત પટેલે જણાવ્યું હતું કે, માર્કેટમાં ફેરિયાઓ ન આવતા ત્યાં શાકભાજી મળતી નથી અને ભાવ પણ વધારે રહે છે. જો તમામ થડા ભરાઈ જાય તો આસપાસના લોકોને એક જ સ્થળે વિવિધ પ્રકારની શાકભાજી મળી શકે અને વેપારીઓ વચ્ચેની સ્પર્ધાના કારણે ભાવ પણ ઓછા થઈ શકે.
આ સ્થિતિમાં વેપારીઓ માર્કેટમાં નથી આવતા એટલે ગ્રાહકો આવતા નથી અને ગ્રાહકો આવતા નથી એટલે વેપારીઓ ટકી શકતા નથી. આ ચક્ર તોડવામાં કોર્પોરેશનની અમલવારી નિષ્ફળ રહી હોવાનું ગ્રાઉન્ડ રિયાલિટી પરથી જણાય છે.
કમિટીના ચેરમેનોએ પણ સ્વીકારી સમસ્યા
વેજીટેબલ માર્કેટમાં ફેરિયાઓ ન આવતા હોવાની સ્થિતિને કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલ તથા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે પણ સ્વીકારી છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ગોતા વોર્ડમાં નવી વેજીટેબલ માર્કેટ બનાવવાની દરખાસ્ત એ કારણસર પરત કરી હતી કે વેજીટેબલ માર્કેટમાં કોઈ આવતું નથી અને ગોતામાં પહેલેથી જ વેજીટેબલ માર્કેટ છે. જ્યારે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે પણ પોતાના વોર્ડમાં બનાવવામાં આવેલી વેજીટેબલ માર્કેટમાં કોઈ ન આવતું હોવાનું જણાવ્યું હતું.

દબાણ હટાવવાનું હતું, પરંતુ દબાણ યથાવત્
વેજીટેબલ માર્કેટ પાછળનો સૌથી મહત્વનો ઉદ્દેશ રસ્તા અને ફૂટપાથ પરથી શાકભાજી-ફળના ફેરિયાઓને હટાવીને તેમને નિર્ધારિત જગ્યા આપવાનો હતો. આથી વાહનચાલકો માટે રસ્તો ખુલ્લો રહે, રાહદારીઓ ફૂટપાથનો ઉપયોગ કરી શકે અને ટ્રાફિકની સમસ્યા ઘટે તેવી અપેક્ષા હતી. પરંતુ આજે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં શાકભાજી અને ફળના વિક્રેતાઓ રોડની કિનારે, ફૂટપાથ પર અને જાહેર જગ્યાઓમાં બેસીને ધંધો કરી રહ્યા છે. જેના કારણે રાહદારીઓને ફૂટપાથ પર ચાલવામાં મુશ્કેલી પડે છે અને ઘણી જગ્યાએ વાહનવ્યવહારને પણ અસર થાય છે. એટલે કે જે દબાણ દૂર કરવા માટે માર્કેટ બનાવવામાં આવી હતી તે દબાણની સ્થિતિ આજે પણ યથાવત્ છે. ફેરિયાઓને માર્કેટમાં ખસેડવામાં ન આવતા એક તરફ રસ્તા-ફૂટપાથ પર દબાણ ચાલુ છે અને બીજી તરફ જાહેર નાણાંથી બનેલી માર્કેટનો પૂરતો ઉપયોગ થતો નથી.
એસ્ટેટ વિભાગની કામગીરી સામે પણ સવાલ
ફેરિયાઓને નવી માર્કેટમાં ખસેડવાની જવાબદારીમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કામગીરી પણ મહત્વની બની જાય છે. જો ફેરિયાઓને તેમની જૂની જગ્યાએ જ ધંધો કરવાની છૂટ મળતી રહે અને ગ્રાહકો પણ ત્યાં જ મળતા રહે, તો નવી માર્કેટમાં જવાનું વેપારીઓ માટે વ્યવસાયિક રીતે આકર્ષક રહેતું નથી. આથી સવાલ એ પણ ઊભો થાય છે કે કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ રસ્તા અને ફૂટપાથ પર બેસતા ફેરિયાઓ સામે કેટલી અસરકારક કાર્યવાહી કરે છે અને તેમને તૈયાર કરવામાં આવેલી માર્કેટમાં ખસેડવા માટે કેટલો ગંભીર છે?
68 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ, હવે જવાબદારી કોની?
કોર્પોરેશન દ્વારા વેજીટેબલ માર્કેટ પાછળ અત્યાર સુધીમાં 68 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. હજુ બે સ્થળે કામ ચાલી રહ્યું હોવાથી આગામી સમયમાં વધુ ખર્ચ થવાની પૂરી શક્યતા છે. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો ફેરિયાઓ ફૂટપાથ પર જ બેસે, રસ્તા પર દબાણ યથાવત્ રહે અને તૈયાર થયેલી માર્કેટ ખાલી રહે તો યોજનાના ખર્ચ અને તેની ઉપયોગિતા અંગે સવાલ ઊભા થાય તે સ્વાભાવિક છે. હવે કોર્પોરેશન સામે પડકાર નવી વેજીટેબલ માર્કેટ બનાવવાનો નહીં, પરંતુ પહેલેથી બનાવેલી માર્કેટને કાર્યરત કરવાનો અને જે હેતુથી કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તે હેતુને સાકાર કરવાનો છે. માર્કેટમાં વેપારીઓ બેસે, ગ્રાહકો આવે અને રસ્તા-ફૂટપાથ પરથી દબાણ દૂર થાય ત્યારે જ આ યોજનાને સફળ ગણાવી શકાય.









