Alpviram

રસ્તા ધોવાઈ જાય અને જનધનથી બાંધેલા મોંઘેરા પુલો તૂટી જાય છે

By GS Team
7 Jul 20265 mins read
TukuTouch Logo
દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોર પરનો વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટિત માર્ગ પહેલા વરસાદમાં જ ધરાશાયી થતા ભારે શરમજનક સ્થિતિ સર્જાઈ છે. માત્ર અઢી મહિનામાં જ નવો બનેલો રસ્તો ધોવાઈ જતા ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે. NHAI એ પ્રોજેક્ટ મેનેજરને સસ્પેન્ડ કરી નોટિસ પાઠવી છે, પરંતુ કડક કાર્યવાહી ન થાય તો આવી ઘટનાઓ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રસ્તા ધોવાઈ જાય અને જનધનથી બાંધેલા મોંઘેરા પુલો તૂટી જાય છે

અલ્પવિરામ
ગુજરાતની વિધાનસભામાં તો જીભ કપાયેલા ધારાસભ્યોનો સમૂહ છે, એમને પ્રશ્ન પણ પક્ષ લખી આપે છે. એની બહાર તેઓ કંઈ પૂછી શકતા નથી. પોતાની સામેના વિકરાળ પ્રશ્નો અંગે નેતાઓ નિરુત્તર છે અને પ્રજા વિમાસણમાં છે

આ એપ્રિલમાં વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરાયેલો દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોર પરનો રસ્તો આ પહેલા વરસાદમાં જ ધરાશાયી થઈ ગયો, તેનાથી વધુ શરમજનક કંઈ હોઈ શકે નહીં. રસ્તો એટલો ખરાબ રીતે ધોવાઈ ગયો કે અનેક વાહનોને નુકસાન થયું. સદનસીબે, કોઈનું મોત થયું ન હતું, પરંતુ પ્રશ્ન અનિવાર્યપણે ઊભો થાય છે કે નવો બનેલો રસ્તો ફક્ત અઢી મહિનામાં પહેલા વરસાદમાં કેમ ટકી શક્યો નહીં ? આ પ્રશ્નનો એકમાત્ર સંભવિત જવાબ એ છે કે કાં તો રસ્તાના નિર્માણમાં ગુણવત્તાની અવગણના કરવામાં આવી હતી અથવા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. કારણ ગમે તે હોય, આવી ઘટનાઓ રસ્તાના નિર્માણમાં ગુણવત્તાની અવગણના વિશે ઘણું બધું કહે છે. આ પહેલીવાર નથી જ્યારે નવો બનેલો રસ્તો લુપ્તઃપ્રાય થયો હોયત આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ક્યારેક નવો બનેલો રસ્તો ધરાશાયી થાય છે,
ક્યારેક નવો બનેલો પુલ નુકસાન પામે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેના ઉદઘાટન પહેલાં જ પુલ ધરાશાયી થઈ ગયો છે. સમસ્યા રસ્તાઓ અને પુલોના નિર્માણમાં ગુણવત્તાના અભાવ સુધી મર્યાદિત નથી. બીજી સમસ્યા એ છે કે તેમની ડિઝાઇનમાં ઘણીવાર અસંખ્ય ખામીઓ હોય છે, જે અકસ્માતો તરફ દોરી જાય છે. એ વાત સાચી છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોર રોડ તૂટી પડવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે, પ્રોજેક્ટ મેનેજર અને ટીમ લીડરને સસ્પેન્ડ કર્યા છે અને કોરિડોરનું સંચાલન કરતી કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી છે. જોકે, જો આ મામલે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આવી શરમજનક ઘટનાઓ બનતી રહેશે. જો કે સસ્પેન્શન અથવા ્રટ્રાન્સફર એ કડક પગલાં નથી. એમને ફોઝદારી ગુન્હાની કલમો લગાડી જેલભેગા કરવા જોઈએ.
આ વાત વિવિધ રાજ્યોની ઉચ્ચ અદાલતો અગાઉ કહી ચૂકી છે, પરંતુ કાયદો ઘડવાનું કામ વિધાનસભા અને સંસદનું છે. આજકાલ તેઓ પોતાની સત્તા ટકે એવા જ કાયદાઓ ઘડે છે અને લોકહિત અભરાઈએ ચડાવે છે. કોકરોચ વિચારધારા એવા રાજનેતાઓ સામેનો બળવો છે. ગુજરાતની વિધાનસભામાં તો જીભ કપાયેલા ધારાસભ્યોનો સમૂહ છે. એમને પ્રશ્ન પણ પક્ષ લખી આપે છે. એની બહાર તેઓ કંઈ પૂછી શકતા નથી. એમની જીભ કપાયેલી છે. મોટાભાગના કિસ્સાઓમાં, સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને થોડા સમય પછી પુનઃસ્થાપિત કરવામાં આવે છે અથવા ટ્રાન્સફર કરવામાં આવે છે. એ પણ કોઈ રહસ્ય નથી કે જો નબળા બાંધકામ માટે જવાબદાર કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, તો પણ તેઓ ઘણીવાર યાદીમાંથી બહાર નીકળી જાય છે અથવા નવા નામ સાથે ફરીથી ઉભરી આવે છે. જો રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત બાંધકામની ગુણવત્તામાં બેદરકારીનું વલણ બંધ કરવું હોય, તો સંબંધિત અધિકારીઓને કડક સજા ભોગવવી પડે.
ટેક્નોલોજીના ઉપયોગથી ઈમારતો, પુલ, રસ્તાઓ વગેરેના નિર્માણમાં ઝડપ આવી છે અને સંરચના સુંદર બનવા લાગી છે, પરંતુ તેની મજબૂતાઈ અને ટકાઉપણા અંગે અંગે વારંવાર પ્રશ્નો ઊભા થાય છે. હવે લોકો પુલ પરથી પસાર થતી વખતે મનોવૈજ્ઞાનિક રીતે ગભરાય છે અને જો વૈકલ્પિક રસ્તો હોય તો એને પસંદ કરે છે. હવે વરસાદની મોસમમાં પુલ, રસ્તાઓ અને નવી બનેલી ઇમારતો ડૂબી જવાના અને તૂટી પડવાના સમાચાર વિના ભાગ્યે જ કોઈ વર્ષ પસાર થાય છે. અગાઉ દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ-એક દુર્ઘટના બની હતી, જ્યાં ગાડીઓના પાર્કિંગ વિસ્તારની છત તૂટી પડી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા અને અનેક વાહનોને નુકસાન થયું હતું. વરસાદના કારણે છત બેસી ગઈ.
દિલ્હી એરપોર્ટ પર બનેલી ઘટનાના પહેલા મધ્યપ્રદેશના જબલપુરમાં એર ટર્મિનલની નવી ઇમારતની છતનો એક ભાગ વરસાદને કારણે એક ગાડી પર પડી ગયો હતો. બિહારમાં વરસાદ શરૂ થતાની સાથે જ અનેક પુલ ધરાશાયી થતા હોય છે. છેલ્લા ઘણા સમયથી મધ્યપ્રદેશ, બિહારમાં પૂરમાં પુલો ધોવાઈ જવાના, રસ્તાઓ ડૂબી જવાના કે ધસી પડવાના અહેવાલો છે. અતિશય વૃષ્ટિને કારણે મુંબઈમાં જે સ્થિતિ સર્જાઈ છે તે જ સ્થિતિ દેશના અને વિશ્વના અન્ય શહેરોમાં પણ સર્જાઈ રહી છે. દુબઈ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ખૂબ જ અદ્યતન શહેર છે, છતાં થોડા સમય પહેલા સામાન્ય કરતાં વધુ વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું. છેલ્લાં કેટલાક વર્ષોમાં, આપણા દેશમાં વધુ પડતા વરસાદને કારણે સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતાં શહેરો પણ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આબોહવા પરિવર્તનને કારણે હવામાનમાં અણધાર્યા ફેરફારો એ હવેની વાસ્તવિકતા છે.
આરોગ્ય, શિક્ષણ, આંતરિક સુરક્ષા… બધે જ નજર દોડાવો તો વારંવાર રોકાઈ-રોકાઈને નજર થાકી જાય એવા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પડાવો છે. બળાત્કારનું જાણે કે સમર્થન કરતા હોય એમ પોલીસ સ્ટેશનમાં પીડિતાને દુષ્ટ બુદ્ધિથી પ્રશ્નો પૂછતા ને ઊંચા પદે પહોંચી ગયેલા જમાદારો કાશ્મીરથી કન્યાકુમારી સુધી વારંવાર લોકનજરે ચડે છે અને પ્રજા ખિન્ન થઈ જાય છે. તેઓ પ્રજા અને પોલીસ વચ્ચેનો પુલ તોડી રહ્યા છે. શાળા સંચાલકો ખાનગી શૈક્ષણિક પ્રણાલિકાઓને ઔદ્યોગિક એકમની જેમ ચલાવે છે. તેમને પણ નફો કરવાનો અધિકાર ચોક્કસ છે અને એ બંધારણીય છે, પરંતુ આ કામ તેઓ ગેરબંધારણીય ફી માળખું ઊભુ કરીને જે સ્વાર્થ સિદ્ધ કરી રહ્યા છે તેની સામે પણ અજંપો વ્યાપક છે. ઓગણીસમી સદીના આરંભે જાપાનના ટોકિયોમાં ઈટાઈબાશી પુલ તૂટયો હતો જેમાં પંદરસો નાગરિકોએ જિંદગી ગુમાવી હતી. પરંતુ એ દુર્ઘટનાને જાપાન પછીથી થયેલા પહેલા અને બીજા વિશ્વયુદ્ધ પછી પણ ભૂલ્યું ન હતું અને આજે પણ જાપાન સરકાર દરેક પુલમાં બ્રિજ સેન્સર લગાવે છે જે એની ક્ષમતાની મર્યાદા પ્રમાણે તૂટતા પહેલા સાવધાની માટે મોટા અવાજે એલાર્મ વગાડે છે. પરંતુ આવો એલાર્મ વાગે એ સ્થિતિ આવે જ નહિ એની સાવધાની દરેક પુલમાં રાખવામાં આવે છે.

જાપાન માત્ર ઉગતા સૂર્યનો જ નહિ ભૂકંપનો પણ દેશ છે છતાં એ ટેકનોલોજી અને સંનિષ્ઠ એન્જિનિયરોની મદદથી આગોતરી સાવચેતીથી દુર્ઘટનાઓને અંકુશમાં રાખી શકે છે. આપણે ત્યાં ભારતમાં ટેકનોલોજીની સમસ્યા તો પછીની વાત છે અને આવનારાં વર્ષોમાં જાપાન જેવા બ્રિજ સેન્સર પણ ગોઠવાઈ જશે પરંતુ દરેક પુલનું બાંધકામ ચાલતુ હોય ત્યારે કરપ્શન સેન્સર કોણ મૂકશે? આપણા દેશ પાસે ઈજનેરી વિદ્યા ઓછી નથી. દરેક ક્ષેત્રમાં વિદ્વાનોનો સમુદાય હજુ પણ છે, પરંતુ એમના ઉપર રાજકારણીઓનો જે કબજો છે એને કારણે પુલો તૂટતા રહે છે, રસ્તાઓ ફરી ફરી બાંધવા પડે છે. નોટબંધી અભિયાન વેળાએ ગુજરાતની સહકારી બેન્કોમાં જમા થયેલા નાણાં બધા ભલે રાજકારણીઓના નહિ હોય તોય જેટલા છે એટલા તો વિજય માલ્યા અને નિરવ મોદીથી ય વધારે હોવાની દહેશત છે. પોતાની સામેના વિકરાળ પ્રશ્નો અંગે નેતાઓ નિરુત્તર છે અને પ્રજા વિમાસણમાં મૂકાઈ ગયેલી છે. નેતાઓ જાણતા નથી કે તેમની અને પ્રજાની વચ્ચેનો પુલ પણ તૂટી રહ્યો છે