અમદાવાદમાં સાંજે 6 વાગ્યા પછી સાર્વત્રિક વરસાદ: આશ્રમ રોડ, ચાંદખેડા અને મેમનગરમાં પાણી ભરાયા, બોડકદેવમાં ભૂવો પડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rain Update : અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ સાંજ પડતા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને સાંજે 6 વાગ્યા પછી આશ્રમ રોડ, એલિસબ્રિજ, ઉસ્માનપુરા, ચાંદખેડા, અખબાર નગર, નવાવાડજ, મેમનગર, વાડજ અને ગુજરાત યુનિવર્સિટી સહિતના શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ પણ સર્જાયું હતું.
અનેક ચાર રસ્તાઓ પર ભરાયા પાણી, બોડકદેવમાં રોડ બેસી ગયો
વરસાદ પડવાના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને ચાર રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. જેમાં શિવરંજની ચાર રસ્તા, નેહરૂનગર સર્કલ અને રાજીવનગર પાસેના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. આ સિવાય પહેલા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની કે, રોડ બેસી જવાની ફરિયાદો ઉઠી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલા ટાઇટેનિયમ વર્લ્ડ ટાવર પાસે રોડ બ્રેકડાઉન (ભૂવો પડવાની ઘટના) થઈ છે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરિકેડિંગ કરીને સમારકામની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો?
શહેરમાં સોમવારના દિવસે સરેરાશ 5.75 મિ.મિ. વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ બાકરોલ ખાતે નોંધાયો હતો. કંટ્રોલ રૂમના આંકડા મુજબ વિવિધ વિસ્તારોની સ્થિતિ નીચે મુજબ છે.
બાકરોલ: 25.5 મિ.મિ.
નવરંગપુરા: 19.5 મિ.મિ.
વાસણા: 15.5 મિ.મિ.
ટાગોર હોલ: 12 મિ.મિ.
સરખેજ: 12 મિ.મિ.
દાણાપીઠ: 12 મિ.મિ.
ઉસ્માનપુરા: 10 મિ.મિ.
કાળુપુર: 9.5 મિ.મિ.
મણિનગર: 8.5 મિ.મિ.
મેમનગર: 8.5 મિ.મિ.
અસારવા: 6 મિ.મિ.
જોધપુર: 5.5 મિ.મિ.
થલતેજ / ચાંદલોડિયા / સાયન્સ સિટી: 8 મિ.મિ.
AMC મોનસુન કંટ્રોલ રૂમનો સત્તાવાર રિપોર્ટ

તારીખ 06/07/2026ના રોજ સાંજે 04.00 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 67.93 મિ.મિ. (2.67 ઈંચ) જેટલો નોંધાયો છે. તો વિવિધ ઝોનમાં પણ વરસાદે રમઝટ બોલાવી હતી.
ઉત્તર પશ્ચિમ ઝોન: 108.27 મિ.મિ.
દક્ષિણ પશ્ચિમ ઝોન: 104.86 મિ.મિ.
પશ્ચિમ ઝોન: 69.62 મિ.મિ.
દક્ષિણ ઝોન: 58.78 મિ.મિ.
મધ્ય ઝોન: 46.69 મિ.મિ.
ઉત્તર ઝોન: 45.00 મિ.મિ.
પૂર્વ ઝોન: 40.25 મિ.મિ.
વાસણા બેરેજની સ્થિતિ
સાંજે 04.00 વાગ્યે વાસણા બેરેજ ખાતે નદીનું લેવલ 132.50 ફૂટ નોંધાયુ હતુ. કેનાલમાં 250 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે, અને વાસણા બેરેજના તમામ દરવાજા હાલ બંધ રાખવામાં આવ્યા છે.









