સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદના લૉ ગાર્ડન સામે પણ ઉગ્ર દેખાવો, પોલીસે કરી અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Protest in Support of Sonam Wangchuk: અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપ્પી સ્ટ્રીટ નજીક આજે (20મી જુલાઈ) NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં કેટલાક દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દેખાવો કરી રહેલા લોકોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર
મળતી માહિતી અનુસાર, દેખાવકારોએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. આ દરમિયાન દેખાવકારોએ 'ભાજપ હાય હાય' અને 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે' જેવાં તીવ્ર સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સ્થળ પર ACP અને DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ટોળાને વિખેરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને દેખાવકારોની અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન મહિલા પ્રદર્શનકારીઓની પણ ટીંગાટોળી કરીને પોલીસ વાહનોમાં અટકાયત કરવામાં આવી હતી.
હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર લો ગાર્ડન વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
M.J. લાયબ્રેરી બહાર વધુ દેખાવો કરવાનું આયોજન
આજ રોજ સાંજે 6 વાગ્યે એમ. જે. લાયબ્રેરીની બહાર પણ દેખાવો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે દેખાવકારોના આગેવાનો દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી.
અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં કેટલાક યુવાનો અને નાગરિકોએ શિક્ષણ સંબંધિત મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન દરમિયાન સોનમ વાંગચુકના સમર્થનમાં તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પ્રદર્શનકારોએ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો.









