અમદાવાદના વટવામાં હિટ એન્ડ રનની કરૂણ ઘટના: પૂરપાટ સ્કોર્પિયો કારે વૃદ્ધને કચડી નાખ્યા, CCTV ફૂટેજ આવ્યા સામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vatva hit and run Ahmedabad : અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક દિવસે-દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં જ વટવા વિસ્તારમાં હિટ એન્ડ રનની એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા 68 વર્ષીય વૃદ્ધને ટક્કર મારીને તેમના પર કાર ચઢાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પોલીસે સીસીટીવીના આધારે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
મૂળ પ્રાપ્ત વિગતો મુજબ, ગત 28 જુલાઈએ રાત્રે 12 વાગ્યાના અરસામાં વટવા બીબી તળાવ ચાર રસ્તા પાસેથી 68 વર્ષીય યુનુસભાઈ વોહરા પસાર થઈ રહ્યા હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે વટવા ગામ તરફથી પૂરઝડપે આવેલા એક સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધ સીધા કારના બોનેટ પર પટકાયા હતા. જો કે ચાલકે કાર રોકવાના બદલે સીધી નીચે પડેલા વૃદ્ધ પર જ કાર ચડાવી દીધી હતી. કાર ઉપરથી ફરી વળ્યા બાદ ગંભીર ઇજાઓની સ્થિતિમાં વૃદ્ધ સ્થળ પર બેઠા થયા હતા અને દર્દથી કણસી રહ્યા હતા. આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને વૃદ્ધને સારવાર માટે ખસેડ્યા હતા. જો કે સારવાર દરમિયાન યુનુસભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ અને આરોપીની ચોંકાવનારી કબૂલાત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે ડિવિઝન ટ્રાફિક પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. ફૂટેજ અને વાહનના નંબરના આધારે પોલીસે સઘન કાર્યવાહી કરીને 19 વર્ષીય આરોપી રાહુલ યાદવ (રહે. ઈસનપુર)ની ધરપકડ કરી લીધી છે અને અકસ્માતમાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે. પૂછપરછ દરમિયાન આરોપી રાહુલ યાદવે પોલીસ સમક્ષ અત્યંત આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો. રાહુલે જણાવ્યું કે પોતાના મિત્રની ગાડી લઈને આંટો મારવા નીકળ્યો હતો. વરસાદી વાતાવરણના કારણે તેને ખબર જ નહોતી કે કોઈને ટક્કર વાગી છે. જ્યારે ગાડી વૃદ્ધ પરથી ફરી વળી ત્યારે તેને માત્ર એમ લાગ્યું કે રસ્તામાં કોઈ 'ખાડો' આવ્યો હશે. જેથી તેણે ગાડી રોકવાને બદલે ભગાવી દીધી હતી. આ બનાવ બાદ તેણે ગાડી મિત્રને પરત આપી દીધી હતી અને પોતાના ઘરે જતો રહ્યો હતો. કોલેજના 2 વર્ષમાં અભ્યાસ કરતા આ યુવાનની ઘોર બેદરકારીએ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે.









