'ફ્યુલ કન્ટ્રોલ સ્વિચમાં કોઈ ખામી નહોતી...', અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સરકારનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Air India Crash Report: અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, જેમાં 260 લોકોના મોત થયા હતા. હવે સરકારે સંસદમાં જણાવ્યું છે કે આ મામલે તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સરકારે એ પણ માહિતી આપી છે કે અત્યાર સુધીની તપાસમાં પ્લેનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ લોકિંગ મિકેનિઝમમાં કોઈ ખામી મળી નથી. જો કે, વિમાનના થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની વિસ્તૃત તપાસ હજુ પણ અમેરિકાના સિએટલમાં ચાલી રહી છે અને તેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
તપાસ પૂર્ણ થવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અકસ્માત ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના છેલ્લા રિપોર્ટમાં કોઈ વિલંબ થઈ રહ્યો નથી. તેમણે કહ્યું કે મોટા વિમાન અકસ્માતોની તપાસમાં કોઈ નિશ્ચિત સમયમર્યાદા હોતી નથી અને દરેક પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ, એર ઇન્ડિયા દુર્ઘટનાની તપાસ હવે પૂર્ણતાને આરે છે.

પાયલટ અંગેની અટકળો પર મૌન
જો કે, સરકારે હજુ સુધી અકસ્માતના કારણ અંગે કોઈ નિષ્કર્ષ કાઢ્યો નથી. સરકારનું કહેવું છે કે તમામ સંભવિત પાસાઓની તપાસ ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પાયલટના વર્તનને લઈને કરવામાં આવી રહેલા દાવાઓ પર પણ સરકારે કોઈ ટિપ્પણી કરી નથી. માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ નિષ્કર્ષ સામે આવશે. માહિતી માટે જણાવી દઈએ કે AAIB આ દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ પોતાની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરશે.
સુપ્રીમ કોર્ટે ગોપનીયતા જાળવવાનો આદેશ આપ્યો
જો કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ છે. ગત વર્ષે જ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ દુર્ઘટનાની માહિતી ગોપનીય રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જ્યાં સુધી નિયમિત તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્રેશ સંબંધિત માહિતી ગોપનીય રહેવી જોઈએ. કોર્ટે કહ્યું-
ધારો કે કાલે કોઈ કહે કે X પાયલટ જવાબદાર છે અને છેવટે અંતિમ તપાસમાં તે નિર્દોષ સાબિત થાય તો શું? ધારો કે કાલે કહેવામાં આવે કે પાયલટ A જવાબદાર છે, તો દેખીતું છે કે પાયલટના પરિવારને તકલીફ થશે. માહિતીને ટુકડાઓમાં લીક કરવાને બદલે, નિયમિત તપાસના તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચે ત્યાં સુધી ગોપનીયતા જાળવી રાખવી જોઈએ









