અમદાવાદમાં ફટાકડાનો શેડ ઉડાવી દેનારો ધડાકો 10 જ સેકન્ડ્સમાં થયો હતો, ઘેરાતું રહસ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vastral Firecracker Factory Blast Ahmedabad : અમદાવાદના છેવાડે આવેલા વસ્ત્રાલ-ગતરાડ રોડ પર મહેમૂદપુરા કેનાલ નજીક ખુલ્લા ખેતરમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં બપોરે સર્જાયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. માત્ર 10 સેકન્ડના ગાળામાં જ થયેલા વિસ્ફોટમાં આખો શેડ હવામાં ઊડી ગયો હતો. જેમાં એક જ પરિવારના માતા અને તેના 4 નિર્દોષ બાળકો સહિત કુલ 9 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે. આ બનાવમાં 5 લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે.
CCTV માં કેદ થઈ 10 સેકન્ડની તબાહી
પોલીસને મળેલા સીસીટીવી (CCTV) ફૂટેજ મુજબ, બપોરે 3:54 કલાકે શેડના એક ખૂણામાં સામાન્ય સ્પાર્ક (તણખો) થતો દેખાયો હતો. સ્પાર્ક થતાં જ અંદર હાજર બે લોકો બહાર ભાગ્યા હતા, પરંતુ આગામી 5 સેકન્ડમાં (3:55:04 કલાકે) આખી ફેક્ટરી વિનાશક ધડાકા સાથે ઊડી ગઈ હતી. એસ.આઈ.ટી. (SIT) ના વડા અને એડિશનલ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, કેમિકલ કે ચપ્પલના ઘર્ષણથી પોટેશિયમ, સોડા અને સલ્ફરના મિશ્રણમાં આ વિસ્ફોટ થયો હોવાની આશંકા છે.

એક જ પરિવારના 5 લોકોના મોત
આ અકસ્માતમાં દાહોદના ગામ ઈટાડીના વતની ભરત ચારેલની પત્ની રમિલાબેન અને તેમના ચાર નાના બાળકો (રિન્કુ, શિવાની, રવિના અને વિરલ) ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ભરત ચારેલ પોતે 40 ટકા દાઝી ગયા છે અને તેમણે પોતાની આંખ સામે જ આખો પરિવાર ગુમાવી દીધો છે.
નિયમોનો ભંગ અને ગેરકાયદે સંચાલન
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આગામી ગણેશોત્સવ માટે કોઠી અને મિરચી બોમ્બ બનાવવાનો મોટો ઓર્ડર મળતાં આ ફેક્ટરી ગેરકાયદે રીતે શરૂ કરાઈ હતી. કાયદા મુજબ 15 કિલોથી વધુ વિસ્ફોટક રાખી શકાતો નથી, પરંતુ અહીં મોટી માત્રામાં જોખમી કેમિકલનો સંગ્રહ કરાયો હતો. બ્લાસ્ટ વખતે સંચાલક મેહુલ ડોડિયા અને તેની માતા ખુલ્લા ખેતરમાં બેઠા હોવાથી બચી ગયા હતા. ઘટના બાદ ભાગી છૂટેલા મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા રમિલાબેન અને ભાગીદાર સાદીક સૈયદની રામોલ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










