Ahmedabad

આતંકી ષડયંત્રનો પર્દાફાશ: ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ(JeM)ના 8 આતંકીઓની ધરપકડ કરાઈ છે. સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનથી દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો. આતંકીઓ ગુજરાતમાં JeMનું નેટવર્ક મજબૂત કરી યુવાનોને ગેરમાર્ગે દોરવા સક્રિય હતા. સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આતંકી ષડયંત્રનો પર્દાફાશ: ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા

Terror Conspiracy Exposed: ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) દ્વારા દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક ખૂબ જ મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત ATSની ટીમે સ્થાનિક પોલીસની મદદથી એક સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરીને ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા 8 સક્રિય આતંકીઓની ધરપકડ કરી છે. આ હાઇ-પ્રોફાઇલ ઓપરેશન બાદ બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થાને અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે.

ગુજરાતમાં ‘આતંકી નેટવર્ક’ મજબૂત કરવાનો હતો મનસૂબો

અહેવાલો અનુસાર, પકડાયેલા તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે અને લાંબા સમયથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. તેઓ વિદેશી આતંકવાદી સંગઠનના સતત સંપર્કમાં રહીને ગુજરાત રાજ્યમાં સંગઠનના નેટવર્કને મજબૂત કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોને આગળ ધપાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.



ધરપકડ કરાયેલા આતંકીઓના નામ

  • 19 વર્ષીય અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
  • 30 વર્ષીય ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
  • 22 વર્ષીય મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
  • 21 વર્ષીય ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
  • 40 વર્ષીય મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દાઉવા (રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
  • 21 વર્ષીય મોહમ્મદ અમીન શેરા(રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
  • 22 વર્ષીય મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી (રહે. અંભેટા, ચીખલી, નવસારી)
  • 18 વર્ષીય બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (રહે. વારસી નગર, દેવાસ, મધ્ય પ્રદેશ)

5 વિશેષ ટીમોનું સર્ચ ઓપરેશન અને દરોડા

ગુજરાત ATSની ટીમને આ આતંકી મોડ્યુલ અંગે ચોક્કસ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે બાતમી મળી હતી. જેના પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અલગ-અલગ 5 વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી અને પાટણ તેમજ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં સ્થાનિક પોલીસની મદદથી શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સફળ ઓપરેશન દરમિયાન તમામ 8 આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જેમને પૂછપરછ માટે ATS કચેરી ખાતે લાવવામાં આવ્યા છે અને હવે કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા: પાકિસ્તાની હેન્ડલર્સ સાથે કનેક્શન

પૂછપરછ દરમિયાન સામે આવેલા પ્રાથમિક તથ્યો ખૂબ જ ગંભીર છે. પકડાયેલા આરોપીઓએ ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓ ચલાવવા માટે ‘દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ’ નામનું એક ચોક્કસ ગ્રુપ બનાવ્યું હતું. આ શખ્સો પાકિસ્તાની હેન્ડલર અબ્દુલ્લાહ અને મોહમ્મદ ઉમરના સીધા સંપર્કમાં રહીને ગુજરાતમાં મોટા આતંકવાદી કૃત્યો પાર પાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. આ દેશવિરોધી કાવતરા માટે તેઓએ અંદાજે 3 લાખ રૂપિયાનું ફંડિંગ પણ મેળવ્યું હતું. આ ફંડમાંથી તેઓએ એક જૂની કાર ખરીદી હતી, જેનું રજીસ્ટ્રેશન કાયદાકીય પકડથી બચવા માટે હજુ સુધી પોતાના નામે કરાવ્યું ન હતું. આ ઉપરાંત, તેઓ સ્થાનિક કક્ષાએ અન્ય સભ્યોને સંગઠનમાં જોડવા માટે બ્રેઈનવોશ પણ કરતા હતા.

મોટા પ્રમાણમાં જેહાદી સાહિત્ય કબ્જે: પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં જેહાદી ડિજિટલ અને પ્રિન્ટ સાહિત્ય મળી આવ્યું છે. મુખ્ય આરોપી ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘઘાના મોબાઇલમાં રહેલી નોર્ડ લોકર (Nord Locker) એપમાંથી 254 જેટલા જેહાદી પુસ્તકો, ઓડિયો-વિડિયો ફાઇલો અને જૈશના ઝંડાના ફોટા મળી આવ્યા છે. આ સિવાય, જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંબોધીને ઉર્દૂમાં લખેલા 8 પત્રો પણ કબ્જે કરાયા છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ આરોપીઓએ મસૂદ અઝહરના પ્રખ્યાત પુસ્તક ‘દર્સ-એ-જેહાદ’નું ઉર્દૂમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું, જેથી ગુજરાતના સ્થાનિક યુવાનોને સરળતાથી કટ્ટરપંથી વિચારધારા તરફ વાળી શકાય અને તેમનું બ્રેઈનવોશ કરીને આતંકી સંગઠનમાં ભરતી કરી શકાય.

હાલમાં, આરોપીઓના બદઈરાદા અને તેમની પાસેથી મળી આવેલા સજ્જડ ડિજિટલ પુરાવાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત ATS દ્વારા કાયદેસરનો ગુનો દાખલ કરી કડક સકંજો કસવામાં આવ્યો છે. આ સ્લીપર સેલ અને આતંકી નેટવર્કના મૂળ સુધી પહોંચવા તેમજ અન્ય કયા સ્થાનિક કનેક્શન્સ સંકળાયેલા છે તે જાણવા માટે એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.