VIDEO | અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવાની કામગીરી પ્રગતિમાં, ટેકનિકલ ટીમની હાજરીમાં શાહીબાગ તરફનો સ્પાન જમીનદોસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક સુભાષ બ્રિજને તોડી પાડવાના ચાલી રહેલા મેગા પ્રોજેક્ટમાં શનિવારે(4 જુલાઈ) વધુ એક મહત્ત્વનો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, બ્રિજનો શાહીબાગ તરફનો મોટો હિસ્સો(સ્પાન) સંપૂર્ણ સુરક્ષા અને કાળજીપૂર્વક કંટ્રોલ્ડ ઓપરેશન હેઠળ તોડી પાડવામાં આવ્યો છે. એન્જિનિયરિંગ માપદંડો અને ચુસ્ત આયોજનના કારણે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અકસ્માત કે અનિચ્છનીય બનાવ બન્યો નથી.
નિષ્ણાતોની ટીમ અને કોન્ટ્રાક્ટરની દેખરેખ હેઠળ ડિમોલિશન
બ્રિજના આ મહત્ત્વપૂર્ણ સ્પાનને તોડવા માટે નિષ્ણાત સિવિલ એન્જિનિયર્સ, ટેકનિકલ એક્સપર્ટ્સ અને નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટરની ખાસ ટીમ સ્થળ પર તહેનાત રાખવામાં આવી હતી. ડિમોલિશનના દરેક તબક્કાનું બારીકાઈથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું જેથી એન્જિનિયરિંગ સુરક્ષાના તમામ સ્ટાન્ડર્ડ્સનું ચુસ્ત પાલન કરાવી શકાય.
સમગ્ર વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો
કોઈપણ પ્રકારના જોખમને ટાળવા માટે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. ડિમોલિશન શરૂ કરતાં પહેલાં જ આખા સુભાષ બ્રિજ અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોને બેરિકેડ્સ લગાવીને સીલ કરી દેવાયા હતા. સામાન્ય નાગરિકો અને વાહનચાલકોની અવરજવર માટે આ વિસ્તારને સદંતર 'પ્રતિબંધિત ઝોન' જાહેર કરી દેવાયો હતો, જેથી શ્રમિકો અને મશીનરી કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના કામ પૂરું કરી શકે.
ફેઝ વાઇઝ કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ
શાહીબાગ તરફનો ગાળો સફળતાપૂર્વક જમીનદોસ્ત કરાયા બાદ, હવે ઘટનાસ્થળેથી વિશાળ માત્રામાં ભેગો થયેલો કાટમાળ અને રોડાં હટાવવાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં બ્રિજ તોડવાના બીજા તબક્કાની કામગીરી નિર્ધારિત શેડ્યૂલ પ્રમાણે શરૂ થાય તે પહેલાં, આ તમામ કાટમાળને અલગ-અલગ તબક્કામાં ત્યાંથી દૂર કરી રસ્તો ચોખ્ખો કરવામાં આવશે.









