અમદાવાદ: સાણંદના ઉમિયામાતા મંદિર ચોરી કેસમાં રાજસ્થાનની ગેંગ પકડાઈ, પોલીસથી બચી જવા માનતા રાખી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanand Umiya Mata Temple Theft: અમદાવાદ જિલ્લાના સાણંદ બાયપાસ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ઉમિયામાતાના મંદિરમાં ગત 17 જુલાઈની રાત્રે થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ગર્ભગૃહના મુખ્ય દરવાજાનું તાળું તોડીને અઢીથી ત્રણ કિલો ચાંદીનું છત્તર, 500 ગ્રામની ચાંદીની મૂર્તિ સહિત કુલ રૂ. 3 લાખના મુદ્દામાલની ચોરી કરનારી રાજસ્થાનની શાતિર ગેંગના 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.
ગૂગલ મેપ અને સ્ક્રીન રેકોર્ડિંગથી ઘડ્યો હતો માસ્ટરપ્લાન
આ ગેંગે ચોરીને અંજામ આપવા માટે અત્યંત ચાલાકીપૂર્વક આયોજન કર્યું હતું. મુખ્ય સૂત્રધારોએ ગૂગલ પર મંદિર સર્ચ કરી તેના ફોટોગ્રાફ્સ ચકાસ્યા હતા. ત્યારબાદ ગૂગલ મેપ પર રસ્તાઓનું મેપિંગ કરી, તેનો સ્ક્રીન રેકોર્ડિંગ વીડિયો બનાવી પોતાના ગ્રુપમાં શેર કર્યો હતો. રાજસ્થાનથી શાકભાજીની ટ્રક લાવવા તેમજ સાણંદમાં રહીને ભંગારની મજૂરી કરવાનું કામ કરતા આ શખ્સોએ પોલીસ પકડથી બચવા માટે ચોરીના સમયે પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા અને ઘટનાસ્થળથી 5 કિલોમીટર દૂર જ બોલેરો ગાડી પાર્ક કરી હતી.

ચોરી બાદ પકડાયા વિના 10 દિવસ વિતતા માનતા પૂરી કરી
ઘટનામાં એક અનોખું રસપ્રદ પાસું એ પણ સામે આવ્યું છે કે, આરોપીઓએ ચોરી કર્યા બાદ એવી માનતા માની હતી કે જો તેઓ 10 દિવસ સુધી પોલીસના હાથે ઝડપાશે નહીં, તો રાજસ્થાનના એક મંદિરમાં 10 હજાર રૂપિયાનો ચઢાવો ચઢાવશે. 10 દિવસ પૂરા થતાં જ તેમણે આ માનતા પૂરી પણ કરી દીધી હતી, પરંતુ આખરે કરેલા કર્મનું ફળ તેમન મળતા બચી શક્યા ન હતા.

5 આરોપીઓની ધરપકડ, રૂ. 8.50 લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસે કાર્યવાહી કરીને લક્ષ્મણ ગૂર્જર, કિશન ગૂર્જર, મુકેશનાથ કાલબેલીયા, સુરેશનાથ કાલબેલીયા અને અજયનાથ કાલબેલીયા નામના પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ ચોરીનો ચાંદીનો સામાન રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે વેચીને પીગળાવી દીધો હતો. પોલીસે ત્યાંથી આશરે 2 કિલોગ્રામ ચાંદીની લગડી અને છત્તર, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા બોલેરો પીક-અપ ગાડી તથા 5 મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 8,50,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.









