ગુજરાતમાં હવે તમામ કોર્પોરેશન અને નગરપાલિકાની ભરતીમાં એક્સ આર્મીમેન માટે અનામત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

High Court PIL EX-Army Quota in Municipalities : રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વિવિધ પોસ્ટ પર પૂર્વ આર્મી કર્મચારીઓ માટે અનામતની માંગ કરતી એક્સ આર્મીમેન હરેશ વિટલાણીની જાહેરહિતની રિટ (PIL) મામલે પૂર્વ સૈનિકોની મોટી જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં થયેલી આ અરજીના પગલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા તા. 28-7-2026 ના રોજ સત્તાવાર ઠરાવ જાહેર કરી દીધો છે, જે મુજબ હવેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભરતીમાં પૂર્વ સૈનિકો માટે ખાસ અનામત રહેશે.
કયા વર્ગમાં કેટલા ટકા અનામત મળશે?
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ઠરાવ મુજબ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ભરતીમાં પૂર્વ સૈનિકો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
વર્ગ-1 અને વર્ગ-2: 1 ટકા અનામત
વર્ગ-3: 10 ટકા અનામત (જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર સહિતની વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે)
વર્ગ-4: 20 ટકા અનામત
સરકાર દ્વારા આ અંગેના આદેશો તમામ મ્યુનિસિપલ કમિશનર અને સંબંધિત સત્તાધીશોને સત્તાવાર રીતે મોકલી આપવામાં આવ્યા છે.
હાઈકોર્ટની ટકોર અને અગાઉનો સંઘર્ષ
આ કેસની સુનાવણી દરમિયાન અગાઉ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રે ની ખંડપીઠે મહત્વપૂર્ણ ટકોર કરી હતી કે, "પૂર્વ આર્મી જવાનો જેવા શિસ્તબદ્ધ અને તાલીમબદ્ધ સારા કર્મચારીઓ તમને ક્યાંથી મળશે? સામાન્ય રીતે રાજ્ય સરકાર જે પોલીસી બનાવે તે મહાનગરપાલિકાઓએ અપનાવવાની હોય છે."
અરજદારોએ ધ્યાન દોર્યું
અરજદાર પક્ષ તરફથી કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે અગાઉ વર્ષ 2021 માં તેઓ કોર્ટમાંથી આદેશ મેળવવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેની અમલવારી યોગ્ય રીતે નહીં થવાને કારણે આ બીજી અરજી કરવાની ફરજ પડી હતી. હવે સરકારના આ નવા ઠરાવથી રાજ્યના હજારો પૂર્વ સૈનિકોને રોજગારી અને યોગ્ય પ્રતિનિધિત્વ મેળવવામાં મોટો લાભ થશે.









