14 જિલ્લામાં આગામી 3 કલાક માટે અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા 31મી જુલાઈ 2026ના રોજ બપોરે 1 વાગ્યે આગામી 3 કલાક માટે રાજ્યમાં વરસાદ અંગેનું નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બુલેટિન અનુસાર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં ઝડપી પવન અને વીજળીના કડાકા સાથે ભારેથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે સુરત, નર્મદા, ખેડા, આણંદ, વડોદરા જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. સુરતના ઉમરપાડામાં તો અતિ ભારે વરસાદ પડતાં આભ ફાટી પડ્યાં જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર સુરત માટે આગામી ત્રણ કલાકનો સમય ભારે જણાવતા રહેવાશીઓ અને તંત્રની ચિંતા વધી છે. સુરતમાં ખાડીનું સ્તર પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે.
આ જિલ્લામાં ભારે પવન અને વીજળી સાથે ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સાબરકાંઠા, ભાવનગર, આણંદ, ખેડા, ભરુચ, અરવલ્લી અને નર્મદામાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન દક્ષિણ અને ઉત્તર-મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 15 મીમી/કલાકથી વધુ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 41 થી 61 કિમી/કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે તેમજ 60%થી વધુ ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના દર્શાવાઈ છે.
ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ?
જ્યારે ગાંધીનગર, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમદાવાદ, મહેસાણા, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.









