અમદાવાદમાં કાલે રથયાત્રા: 31,000 થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી બંદોબસ્ત, AI કેમેરા અને Drones રાખશે બાજ નજર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rath Yatra Security : ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા અભેદ કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આવતીકાલે નીકળનારી આ ભવ્ય રથયાત્રાના બંદોબસ્ત માટે 31,000 થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ ખડેપગે તૈનાત રહેશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવાનો પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
16 km લાંબા રૂટ પર જોડાશે વિવિધ આકર્ષણો
આ વર્ષે પણ પરંપરાગત રૂટ પર ભક્તિનો અનોખો રંગ જોવા મળશે. મુખ્ય રથ 3 હશે જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી બિરાજમાન હશે. ગજરાજ એટલે કે હાથીની સંખ્યા 18 હશે. જ્યારે 103 જેટલી સુશોભિત ટ્રકો હશે. આ સાથે 30 અખાડા અને વિવિધ ભજન મંડળીઓ પણ જોડાશે.
સુરક્ષા માટે સમગ્ર રૂટનું ડિજિટલ વિભાજન
રથયાત્રાના સમગ્ર માર્ગને સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સુવ્યવસ્થિત રીતે વહેંચી દેવામાં આવ્યો છે. 26 રેન્જ, 53 એરિયા અને 1,397 પોઇન્ટમાં સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને ડિવાઇડ કરાઈ છે.
બંદોબસ્તમાં કાફલો: 10 IG અને DIG કક્ષાના અધિકારીઓ, JCP, 42 DCP, 93 ACP, 303 PI, અને 673 PSI સહિત હજારો પોલીસ જવાનો રસ્તા પર સુરક્ષા સંભાળશે.
અર્ધલશ્કરી દળો: 15 SRP કંપનીઓ અને 1,000 જેટલા પેરામિલિટરી તથા BSF ના જવાનો પણ રક્ષણમાં જોડાશે. CRPF અને RAF ની વિશેષ ટીમો પણ તૈનાત રહેશે.
આકાશથી જમીન સુધી હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ
આ વખતની રથયાત્રા હાઈટેક સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ બનશે. ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. રથયાત્રા પર આકાશમાંથી નજર રાખવા 100 થી વધુ અદ્યતન ડ્રોન્સનો ઉપયોગ થશે. દરેક હાથી પર GPS, CCTV કેમેરા અને ડેસિબલ મીટર ફિટ કરાયા છે. શંકાસ્પદ ચહેરાઓ ઓળખવા AI ફેસ રેકોગ્નિશન કેમેરા, ઝડપી સંવાદ માટે AI વોઇસ બોટ, અનધિકૃત ડ્રોનને રોકવા એન્ટી-ડ્રોન ગન અને હાઈટેક વાયરલેસ સિસ્ટમ એક્ટિવ રહેશે.
મુવિંગ બંદોબસ્ત અને અફવાઓ પર નજર
સમગ્ર યાત્રા દરમિયાન ભીડની સાથે ચાલતો મુવિંગ બંદોબસ્ત ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે. જ્યારે રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર કોઈ અફવા, ઉશ્કેરણીજનક કે ભ્રામક માહિતી વાયરલ ન થાય તે માટે સાયબર ક્રાઇમની વિશેષ ટીમ 24 કલાક સતત મોનિટરિંગ કરી રહી છે.









