Ahmedabad

અમદાવાદની 149મી રથયાત્રા: 1946ના કોમી રમખાણોમાં પણ અટક્યો નહોતો રથ, 94 વર્ષના મફતભાઈ ખલાસે વર્ણવી બ્રિટિશ સમયની રથયાત્રા

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા આઠ દાયકાથી ભગવાન જગન્નાથના રથોનું સંચાલન કરતા 94 વર્ષીય મફતલાલ ખલાસ 14 વર્ષની ઉંમરથી આ સેવા સંભાળી રહ્યા છે. તેમણે 1946ના રમખાણોમાં બ્રિટિશ સુરક્ષા હેઠળ રથયાત્રા જોઈ હતી. માધવસિંહ સોલંકીના શાસનમાં મંજૂરી ન મળતા, બેરિકેડ્સ તોડીને રથ દોડાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની 149મી રથયાત્રા: 1946ના કોમી રમખાણોમાં પણ અટક્યો નહોતો રથ, 94 વર્ષના મફતભાઈ ખલાસે વર્ણવી બ્રિટિશ સમયની રથયાત્રા

Ahmedabad Rath Yatra History Mafatbhai Khalas: અમદાવાદમાં આ વર્ષે 149મી ઐતિહાસિક રથયાત્રા યોજાવા જઈ રહી છે. છેલ્લા આઠ દાયકાથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ત્રણેય રથોનું સંચાલન કરતા ખલાસ સમાજના પ્રમુખ મફતલાલ મંગળદાસ ખલાસ આજે 94 વર્ષના છે. પેઢી દર પેઢી ભગવાનની સેવાનો આ અનોખો વારસો સંભાળતા મફતલાલભાઈએ તેમની નજર સામે બદલાયેલો ઈતિહાસ જોયો છે. તેમણે બ્રિટિશ કાળના કોમી રમખાણોથી લઈને માધવસિંહ સોલંકીની સરકાર સામે બળવો કરીને રથયાત્રા કાઢવા સુધીના તેમના હિંમતભર્યા સંસ્મરણો વાગોળ્યા હતા. વાંચો રથયાત્રાઓને રસપ્રદ ઈતિહાસ તેમનાજ શબ્દોમાં

14 વર્ષની નાની ઉંમરે મહંત નરસિદાસજી બાપાની આજ્ઞાથી સંભાળ્યું સુકાન

"રથયાત્રામાં રથ ખેંચવાની અને તેના સંચાલનની અમારી પેઢીઓ જૂની પરંપરા છે. પહેલાં મારા દાદા, પછી મારા પિતા અને ત્યાર પછી હું આ સેવામાં જોડાયો. હું માત્ર 14 વર્ષનો હતો ત્યારથી રથ પર બેસું છું. મેં ક્યારેય રથ ખેંચ્યો નથી, પણ તેનું સંચાલન કર્યું છે."

મારા પિતાજીને હૃદય રોગની બીમારી હોવાથી ગભરામણ થતી હતી. આથી તેમણે રથની જવાબદારીમાંથી મુક્ત થવાનું નક્કી કર્યું અને પોળના લોકોને ભેગા કરીને વાત કરી. ત્યારબાદ તેઓ મને લઈને મહંત નરસિદાસજી બાપા પાસે ગયા. મહારાજે મારી સામે જોઈને કહ્યું, 'આ તો તમારું જ લોહી છે, તે જ આ પરંપરા આગળ ચલાવશે, તેને રથ પર બેસાડો.' બસ, મહારાજની આજ્ઞાથી મારી સફર શરૂ થઈ. પહેલાં રથ પર ઘણા લોકો ચડી જતા હતા, જેથી ભક્તોને દર્શન થતા નહીં. આથી અમે નવો નિયમ બનાવ્યો કે રથ પર માત્ર 2 કે 4 આમંત્રિતો અને અમારા 4 ખલાસીઓ જ બેસશે.

1946ના રમખાણો: બ્રિટિશ ઘોડેસવારોએ સુરક્ષા કરી

"મને 1946ની બ્રિટિશ શાસન સમયની રથયાત્રા બરાબર યાદ છે. ત્યારે દેશ આઝાદ નહોતો થયો અને અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. કાળુપુર દરવાજા પાસે સામસામી હોટલોમાંથી અમારા પર સોડાની બોટલો ફેંકવામાં આવી હતી. અખાડામાં સિકંદર નામના એક વ્યક્તિએ વજન ઉપાડવા જતાં મોટી ધમાલ થઈ અને તેને ખૂબ માર પડ્યો. એ સમયે બ્રિટિશ સરકારના સોલ્જરો ઘોડા પર બેસીને રથની સુરક્ષા કરતા હતા. પરિસ્થિતિ એટલી તંગ હતી કે સોલ્જરોની સૂચના મુજબ અમારે સંવેદનશીલ વિસ્તારો ટાળીને ઘીકાંટા અને રતનપોળ થઈને રથ પસાર કરવા પડ્યા હતા".

માધવસિંહ સોલંકીના શાસનમાં મંજૂરી ન મળી, બેરિકેડ્સ તોડીને રથ દોડાવ્યા!"

એક વાર માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રી શાસનકાળમાં રથયાત્રા કાઢવાની મંજૂરી નહોતી મળી. આ વાત સાંભળીને આઘાતમાં મહારાજને તાવ આવી ગયો હતો. પરંતુ અમે રથના આગેવાનો અને ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે જો ભગવાન નગરચર્યાએ નહીં નીકળે તો આપણું નાક કપાશે. અમે ગાયના કાળા વાછરડાને આગળ રાખીને રથ દોડાવવાનું નક્કી કર્યું".

"રસ્તામાં પોલીસે રથ રોકવા માટે રેતી ભરેલા લોખંડના પીપડા (બેરિકેડ્સ) મૂકી દીધા હતા. પણ અમે ડર્યા વગર મંદિરના હાથીને આગળ કરીને એ તમામ પીપડા તોડાવી નાખ્યા. એ ધમાલમાં હાથીએ એક પોલીસ ઇન્સ્પેક્ટરને દીવાલ સરસો દબાવી પણ દીધો હતો! છેવટે અમે કર્ફ્યુ વચ્ચે હિંમતભેર રથ બહાર કાઢ્યા. થોડા સમય પછી વાતાવરણ થાળે પડ્યું, કર્ફ્યુ ખોલી દેવાયો અને એક શીખ ઇન્સ્પેક્ટરે માઇકમાં જાહેરાત કરી કે, "રથના દર્શન કરવા હોય તે તમામ લોકો રસ્તા પર આવી જાવ." એ વર્ષે પણ અમે આખા અમદાવાદમાં ભવ્યતાથી રથ ફેરવ્યા હતા.