અમદાવાદની મોતની હાટડીઓ, રામોલથી ધામતવાણના 9 કિ.મી.ના પટ્ટામાં ધમધમે છે ફટાકડાની 50 ગેરકાયદે ફેક્ટરીઓ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ramol Blast Exposes Illegal Firecracker Factories: અમદાવાદમાં રામોલના મહમદપુરામાં ચાલતી ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં 18 જુલાઈના રોજ બપોરે એક ભયાનક બ્લાસ્ટ થયો, જેમાં 9 નિર્દોષ મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ગણેશ વિસર્જનના ઓર્ડર પૂરા કરવા અને વધુમાં વધુ કમાણી કરવાની લ્હાયમાં, તંત્રની રહેમરાહે ફેક્ટરી માલિકો દ્વારા કોઈ જ સુરક્ષા વગર કેનાલના કિનારે ફટાકડાનું ઉત્પાદન ચાલી રહ્યું હતું. રામોલ ટોલ ટેક્સ પહેલાથી ધામતવાણ ગામ જતા 9 કિલોમીટરના રસ્તા પર 10-15 નહીં પણ અંદાજે ફટાકડાની 50 જેટલી ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી છે, જે રીતસર મોતની જોખમી દુકાનો જ છે. રામોલમાં શનિવારે સર્જાયેલી આ દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક હસ્તીઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
9 કિલોમીટરના રોડ પર રિયાલિટી ચેક
આ ગોઝારી દુર્ઘટનાના બીજા જ દિવસે એટલે કે 19 જુલાઈએ 'ગુજરાત સમાચાર ડિજિટલ'ની ટીમે રામોલ ટોલ પ્લાઝાથી ધામતવાણ ગામ તરફ જતા 9 કિલોમીટરના રોડ પર રિયાલિટી ચેક કર્યું હતું. આ દરમિયાન જોવા મળ્યું કે, રસ્તની શરૂઆતમાં જ ઠેર-ઠેર ફટાકડાના વેચાણ અને ઉત્પાદનના બોર્ડ જોવા મળ્યા હતા. અહીં માત્ર 1 કિલોમીટરના રોડની બંને બાજુ ખેતરોમાં 5થી 7 જેટલી ફેક્ટરી ધમધમી રહી છે. જોકે, તપાસ સમયે મોટાભાગની ફેક્ટરીઓ અને સ્ટોલ બંધ હાલતમાં હતા. અલગ અલગ ફેક્ટરીની રૂબરૂ મુલાકાત લેતા ત્યાં તાળા મારેલા જોવા મળ્યા હતા અને કોઈ વ્યક્તિ હાજર ન હતું. આ અંગે સ્થાનિકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ફેક્ટરી છેલ્લા એક-દોઢ મહિનાથી બંધ છેજો કે, હાલ તો દુર્ઘટના સર્જાઈ હોવાથી મોટાભાગના સંચાલકો ફેક્ટરીઓને તાળા મારીને ફરાર થઈ ગયા છે.
રૂ. 3 લાખમાં લાયસન્સ! વચેટિયાઓ-અધિકારીઓની મિલીભગત
આ અંગે સ્થાનિકો સાથે વાત કરતા ઘણી ચોંકાવનારી વિગતો જાણવા મળી. સ્થાનિકોનો દાવો છે કે, વાચ, બીબીપુર અને ધામતવાણ ગામમાં રસ્તાની બાજુએથી થોડેક અંદર લાયસન્સના નામે માત્ર 3 લાખ રૂપિયા આપીને ફટાકડાનો આ કાળો કારોબાર ચાલી રહ્યો છે. વચેટિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી કોઈ પણ જાતની સ્થળ તપાસ કે ફાયર સેફ્ટી ચેક કર્યા વગર જ મંજૂરીઓ આપી દેવાય છે. શરૂઆતમાં માત્ર વેચાણ માટે અપાતા લાયસન્સ બાદમાં ગેરકાયદે મેન્યુફ્રેક્ચરિંગ યુનિટમાં ફેરવાઈ જાય છે. આ કાળા કારોબારમાં ગ્રામ્ય સ્તરે તલાટીથી માંડીને મામલતદાર સહિતના કેટલાક મળતિયા અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા છે.
નિયમો નેવે મૂકાયા: 15 દિવસનું ભાડું 1 લાખ રૂપિયા!
નવા નિયમો મુજબ ફટાકડાની ફેક્ટરી માટે 2 વીઘા જગ્યા ફરજિયાત હોવા છતાં, જમીન માલિકો લાયસન્સ કે ફાયર સેફ્ટીની કોઈ દરકાર કર્યા વિના માત્ર 15 દિવસના 1 લાખ રૂપિયા જેટલા ઊંચા ભાડા વસૂલીને જમીન આપી દે છે. છેલ્લા 2-3 મહિનાથી કલેક્ટર દ્વારા મંજૂરી રિન્યૂ કરાઈ નથી. આમ છતાં પોલીસ અને અન્ય અધિકારીઓની રહેમનજર હેઠળ આ ફેક્ટરીઓ ખાનગી રાહે ચાલી રહી છે. આ અંગે ગ્રામવાસીઓએ સ્થાનિક સાંસદને લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે.
મજબૂરીનો ફાયદો: 500 રૂપિયા માટે અનેક પરિવારો મોતના ધંધામાં
રોજગારીનો અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી વાંચ અને આસપાસના વિસ્તારોના ગરીબ શ્રમિકો અહીં જીવના જોખમે કામ કરે છે. દારૂગોળો ભરવાથી લઈને પેકેજિંગ જેવા અત્યંત જોખમી કામો માટે આ મજૂરોને દૈનિક માત્ર 500 રૂપિયા જેટલી રકમ ચૂકવાય છે. આર્થિક ભીંસના કારણે એક જ પરિવારના 3થી 4 સભ્યો, જેમાં મહિલાઓ અને માસૂમ બાળકો પણ સામેલ હોય છે, તેઓ આ ફેક્ટરીઓમાં સાથે કામ કરવા મજબૂર બને છે. માલિકો દ્વારા ગરીબોની આર્થિક મજબૂરીનો ખુલ્લેઆમ ફાયદો ઉઠાવી તેમને મોતના મુખમાં ધકેલવામાં આવી રહ્યા છે.









