Ahmedabad

અમદાવાદ: રામોલની ગેરકાયદે ફટાકડા ફેક્ટરીથી 25 ફૂટ જ દૂર રસોડામાં ગેસના બાટલા હતા, પરંતુ સુરક્ષાના નામે મીંડું

By GS Team
19 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના રામોલમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થતા 9 નિર્દોષ કારીગરોના જીવ હોમાયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, લાયસન્સ પૂર્ણ થયા બાદ રથયાત્રાના બંદોબસ્તનો લાભ લઈ ફરી કામ શરૂ કરાયું હતું. દારૂખાનાથી 25 ફૂટ દૂર રસોડું હતું. 3 આરોપીઓની ધરપકડ થઈ છે અને અન્ય 40થી 45 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રામોલની ગેરકાયદે ફટાકડા ફેક્ટરીથી 25 ફૂટ જ દૂર રસોડામાં ગેસના બાટલા હતા, પરંતુ સુરક્ષાના નામે મીંડું

Ahmedabad Ramol Firecracker Factory Blast: અમદાવાદના રામોલમાં એસ.પી. રિંગ રોડ નજીક મહમદપુરા ખાતે કેનાલ કિનારે ધમધમતી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે (18 જુલાઈ) બપોરે થયેલા ભયાનક બ્લાસ્ટને 24 કલાક વીતી ગયા છે. આ દુર્ઘટનામાં 9 નિર્દોષ કારીગરોનો જીવ હોમાઈ ગયો છે. આજે સવારથી જ પોલીસે સમગ્ર ઘટના સ્થળને કોર્ડન કરી લીધું છે અને અલગ-અલગ એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અકસ્માતની ભયાનકતાનો તાગ મેળવવા અમારી ટીમે બીજા દિવસે ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

કેનાલના સામા કિનારે ઉડીને પડ્યું લોખંડનું પતરું

આ ધડાકો એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનું એક મોટું લોખંડનું પતરું હવામાં ફંગોળાઈને સીધું કેનાલના સામા કિનારે જઈને પડ્યું હતું. જો આટલું વજનદાર પતરું આટલે દૂર ફેંકાઈ શકતું હોય, તો બ્લાસ્ટ વખતે અંદર કામ કરી રહેલા મજૂરોની શું હાલત થઈ હશે? તે વિચારીને જ કંપારી છૂટી જાય છે. હાલ ઘટના સ્થળે વિખરાયેલાં ટિફિન, સૂકાતા કપડાં અને ફટાકડાના પેકિંગના કાગળો વચ્ચે એક ભયાનક સન્નાટો છવાયેલો છે.

મોતની ફેક્ટરી: દારૂખાનાથી માત્ર 25 ફૂટ દૂર જ રસોડું!

રૂપિયા કમાવવાની લ્હાયમાં ફેક્ટરી માલિકોની મોટી બેદરકારી પણ સામે આવી છે. જ્યાં વિસ્ફોટક દારૂખાનું રાખવામાં આવતું હતું, ત્યાંથી માત્ર 20 થી 25 ફૂટના અંતરે એક નાનકડી ઓરડીમાં કારીગરોના રહેવા-જમવાની વ્યવસ્થા હતી. આ ઓરડીમાં ગેસનો બાટલો, ચૂલો, વાસણો અને ખાટલા હજુ પણ એમને એમ જ પડ્યા છે. જીવના જોખમે કામ કરતા આ ગરીબ મજૂરો પાસે હેન્ડ ગ્લોવ્ઝ કે પૂરતા અગ્નિશામક સાધનો જેવી પ્રાથમિક સુરક્ષા પણ નહોતી.

ત્રણ આરોપીઓની ધરપકડ, પણ ન્યાય ક્યારે?

આ દુર્ઘટના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મેહુલ ડોડીયા, તેની માતા રમીલાબેન ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદ સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. જોકે, ગરીબી અને લાચારીના કારણે જીવ ગુમાવનારા આ ગરીબ પરિવારોને ન્યાય અને યોગ્ય વળતર ક્યારે મળશે? તે મોટો સવાલ છે.

રથયાત્રા બંદોબસ્તનો લીધો લાભ, લાયસન્સ પૂર્ણ થવા છતાં ચાલતું હતું કામ

અમદાવાદ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યાનુસાર, આ ફેક્ટરીનું લાયસન્સ ગત ચોથી માર્ચના રોજ પૂર્ણ થઈ ગયું હોવાથી તંત્ર દ્વારા તેને સદંતર બંધ કરાવી દેવામાં આવી હતી. જો કે, છેલ્લા 20થી 25 દિવસ દરમિયાન પોલીસ તંત્ર રથયાત્રાના ચુસ્ત બંદોબસ્તમાં વ્યસ્ત હતું, જેનો લાભ લઈને સંચાલકોએ દાહોદથી શ્રમિકો લાવીને ગેરકાયદે રીતે ફરીથી દારૂખાનું બનાવવાનું શરૂ કરી દીધું હતું. ગણેશ વિસર્જન માટે મળેલા મોટા ઓર્ડર પૂરા કરવા માટે એક ટીન શેડમાં કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: રામોલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ, કમાણીની લ્હાયમાં 9 લોકોના જીવ ગયા, હવે ફરશે બુલડોઝર

નિયમ કરતાં વધુ કેમિકલ અને મજૂરોનો વીમો પણ નહોતો, હવે બુલડોઝર ફરશે

પ્રાથમિક તપાસ અને FSLના અહેવાલમાં સામે આવ્યું છે કે ફેક્ટરીમાં નિયમ મુજબ મહત્તમ 15 કિલો પોટેશિયમ નાઈટ્રેટ રાખવાની જ છૂટ હોય છે, પરંતુ અહીં તેનાથી પણ વધુ માત્રામાં જોખમી વિસ્ફોટક પદાર્થોનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત, કામ કરતા શ્રમિકોનો કોઈ ઇન્સ્યોરન્સ (વીમો) પણ લેવામાં આવ્યો નહોતો.

પોલીસ હવે આ જમીનના મૂળ માલિક અને કૌભાંડમાં આર્થિક મદદ કરનાર ફાઇનાન્સરની પણ કડક પૂછપરછ કરવાની છે. આ સાથે જ તંત્રએ રામોલ વિસ્તારમાં આવેલી અન્ય 13 ફેક્ટરીઓ (જેમાંથી 12 અગાઉથી જ બંધ છે) અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા આવા 40થી 40થી 45 જેટલા ગેરકાયદે બાંધકામો સામે ઝુંબેશ આદરી છે. અન્ય સરકારી વિભાગો સાથે મળીને આ તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની (બુલડોઝર કાર્યવાહી) પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

image.png

મૃતકોમાં 3 બાળકો, 4 મહિલા અને 2 પુરુષનો સમાવેશ

રામોલ વિસ્તારમાં આવેલા મહેમૂદપુરા ખાતે ફટાકડા ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ખુલ્લા પ્લોટ અને શેડમાં શનિવારે (18 જુલાઈ) બપોરે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 15 જેટલાં લોકો ઝપટમાં આવ્યા હતા. ઘટનામાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, 4 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે. બાકીના 9ની મણિનગર ખાતેની એલજી અને અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે અને સ્થળ પર કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.