અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારી, ભગવાનના રથ માટે લાકડાના 6 નવા પૈડાં તૈયાર કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Jagannath Rath Yatra: અમદાવાદમાં અષાઢી બીજના રોજ નીકળતી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે યોજાનારી 149મી રથયાત્રા માટે જમાલપુર જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મંદિર પ્રશાસન દ્વારા ભગવાનના રથની મરામત તેમજ અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રથયાત્રાની પરંપરા મુજબ ભગવાનના રથની સુરક્ષા અને જાળવણીની વિશેષ કાળજી લેવામાં આવે છે. મંદિર પ્રશાસન પાસેથી જાણવા મળ્યા અનુસાર, દર બેથી ત્રણ વર્ષે ત્રણેય રથના આગળના ભાગના કુલ છ પૈડાં નવા બનાવવામાં આવે છે. આ વખતે પણ બાવળના મજબૂત લાકડામાંથી કારીગરો દ્વારા સતત 15 દિવસની કામગીરીના અંતે આ છ નવા પૈડાં બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે.
આગામી 3થી 4 દિવસમાં મંદિર પરિસરમાં લેવાશે ટ્રાયલ
હાલમાં રથમાં આ નવા બનાવેલા પૈડાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી ત્રણથી ચાર દિવસમાં જ સુરક્ષા અને સંતુલનની ચકાસણી માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથનું મંદિર પરિસરની અંદર જ ટ્રાયલ લેવામાં આવશે, જેથી રથયાત્રાના દિવસે રથ સરળતાથી નગરચર્યાએ નીકળી શકે.
છેલ્લી દોઢ સદીથી અવિરત ચાલતી પરંપરા: દિલીપદાસજી મહારાજ
દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, 'અમદાવાદમાં છેલ્લી દોઢ સદીથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરેક ગુજરાતીઓ માટે એક ગૌરવની ક્ષણ છે. આ રથયાત્રા વર્ષોથી અવિરત નિર્વિઘ્ને નીકળી રહી છે. આ રથયાત્રામાં વર્ષોના વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે અને ભગવાનના ઘર આંગણે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ રથયાત્રા માટે મંદિર તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.'









