Ahmedabad

દીકરી પર દુષ્કર્મ ગુજારનાર સાવકા પિતાને 20 વર્ષની જેલ, માતા-પુત્રી કોર્ટમાં ફરી ગયા છતાં DNA પુરાવાને આધારે સજા

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના ખોખરામાં 11 વર્ષની સગીર સાવકી દીકરી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ સાવકા પિતાને ખાસ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ અને ₹4,50,000 વળતરનો આદેશ કર્યો છે. સાક્ષીઓ ફરી ગયા હોવા છતાં, DNA અને FSL રિપોર્ટ જેવા વૈજ્ઞાનિક પુરાવા સર્વોપરી ગણી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

દીકરી પર દુષ્કર્મ ગુજારનાર સાવકા પિતાને 20 વર્ષની જેલ, માતા-પુત્રી કોર્ટમાં ફરી ગયા છતાં DNA પુરાવાને આધારે સજા

Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરામાં માનવતાને શર્મસાર કરતી એક ઘટનામાં અદાલતે ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. 11 વર્ષની સગીર સાવકી દીકરી પર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવનાર અને બાળકને જન્મ આપવા મજબૂર કરનાર નરાધમ સાવકા પિતાને ખાસ પોક્સો (POCSO) સેશન્સ કોર્ટે દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે ભોગ બનનાર પીડિતાને ₹4,50,000 વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

કોર્ટનું મહત્વનું અવલોકન: ‘સામાજિક દબાણથી સાક્ષીઓ ફરી જાય તો પણ વૈજ્ઞાનિક પુરાવા સર્વોપરી’

વિશેષ અદાલતે આરોપીને સજા ફટકારતી વખતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકતા અત્યંત મહત્વનું અવલોકન કર્યું હતું કે, જો પીડિતા કે તેના પરિવારજનો આર્થિક નિર્ભરતા, કૌટુંબિક દબાણ અથવા સામાજિક બહિષ્કારના ડરથી કોર્ટમાં પોતાના નિવેદનથી ફરી જાય (હોસ્ટાઇલ થાય), તો પણ તેના આધારે આરોપીને છોડી શકાય નહીં. જ્યારે કેસમાં સજ્જડ વૈજ્ઞાનિક પુરાવા હાજર હોય, ત્યારે તેની ગુનાહિતતા સાબિત થાય છે. આરોપીએ આ ગંભીર કૃત્ય આચરીને પિતા સમાન પવિત્ર ભરોસાના પદનો દુરુપયોગ કર્યો છે.

માતા અને પીડિતા સગીરા કોર્ટમાં કેમ ફરી ગયા?

કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા 13 સાક્ષીઓ અને 22 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે, સુનાવણી દરમિયાન ફરિયાદી માતા અને ભોગ બનનાર સગીરા પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા હતા. માતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, આરોપી તેનો પતિ છે અને ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હોવાથી તેઓ તેને બચાવવા માંગે છે. જ્યારે સગીરાએ પણ જુબાની બદલતા કહ્યું હતું કે, તેના પિતાએ તેની સાથે કોઈ ખોટું કામ કર્યું નથી અને અગાઉ તેણે પોલીસના ડરથી અંગૂઠો કર્યો હતો.

DNA અને FSL રિપોર્ટે ખોલી દીધી આરોપીની પોલ

મુખ્ય સાક્ષીઓ ફરી ગયા હોવા છતાં, સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા વૈજ્ઞાનિક પુરાવાઓ કેસમાં નિર્ણાયક સાબિત થયા હતા. એફએસએલ (FSL) અને ડીએનએ રિપોર્ટમાં સ્પષ્ટપણે સાબિત થયું હતું કે, જે બાળકનો જન્મ થયો છે તેનો જૈવિક પિતા બીજું કોઈ નહીં પણ આરોપી સાવકો પિતા જ છે.
મેડિકલ ઓફિસરોના રિપોર્ટ અને ઓસિફિકેશન ટેસ્ટ (હાડકાની તપાસ)ના આધારે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું કે ઘટના સમયે ભોગ બનનાર સગીરાની ઉંમર 15 વર્ષ કરતાં ઓછી (અંદાજે 11 વર્ષ) હતી.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 2024માં સગીરાની માતાએ તેના બીજા પતિ આઝાદહુસેન શેખ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. 11 વર્ષની દીકરીનું પેટ ફૂલી જતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસમાં તે 5 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પરિવારે ગર્ભપાત કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે નરાધમ સાવકા પિતાએ ધમકીઓ આપીને ગર્ભપાત કરાવવા દીધો ન હતો, જેના કારણે સગીરાએ એક પુત્રને જન્મ આપવો પડ્યો હતો. પોલીસે કેસની ગંભીરતા જોઈને આરોપીની ધરપકડ કરી પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં હવે અદાલતે ન્યાયી ચુકાદો આપી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.