Ahmedabad

અમદાવાદ: PM આવાસ યોજનાના મકાનના બોગસ પઝેશન લેટરો આપી 3 લોકો સાથે રૂ.7.18 લાખની ઠગાઇ, આરોપીના 5 દિવસના રિમાન્ડનો કોર્ટનો હુકમ

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વાસણામાં PM આવાસ યોજનાના મકાનના બોગસ પઝેશન લેટર આપી 3 લોકો સાથે રૂ.7.18 લાખની ઠગાઈ કરનાર મહેબુબહુસેન ઉર્ફે બાબુભાઈ શેખ ઝડપાયો છે. પોલીસે આરોપીને 5 દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ 7 ગુના નોંધાઈ ચૂક્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: PM આવાસ યોજનાના મકાનના બોગસ પઝેશન લેટરો આપી 3 લોકો સાથે રૂ.7.18 લાખની ઠગાઇ, આરોપીના 5 દિવસના રિમાન્ડનો કોર્ટનો હુકમ

Ahmedabad PM Awas Yojana Housing Scam: અમદાવાદના વાસણામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના બોગસ પઝેશન લેટરો, મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલો તથા ઔડાના લેટર પેડ આપીને ત્રણ લોકો સાથે રૂ.7.18 લાખની ઠગાઇ કરનાર આરોપી મહેબુબહુસેન ઉર્ફે બાબુભાઇ અજગરહુસેન શેખને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપીને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

શહેરના વાસણામાં રહેતા રેખાબહેન કૈલાશભાઇ ડાભીએ વાસણા પોલીસ સ્ટેશનમાં આરોપી મહેબુબહુસેન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉલ્લેખ કરેલો કે, 18 માર્ચ 2026ના રોજ તેમના ઘરે તેમના સંબંધી છગનભાઇ આવ્યા હતા અને તેણે જણાવેલું કે, વાસણામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સનાતન રેસીડેન્સીમાં મકાન લેવું હોય તો મહેબુબહુસેન ઉર્ફે બાબુભાઇ અપાવી આપશે. આથી રેખાબહેને મહેબુબહુસેનનો સંપર્ક કરેલો અને તેણે તાત્કાલિક રોકડા રૂ.1.50 લાખ બે પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના દસ્તાવેજો લીધા હતા. ત્યારબાદ તેણે બોગસ મ્યુનિસિપલ કોર્પોરેશની ફાઇલ, ઔડાનો પઝેશન લેટર,પહોંચો સહિતના કાગળઓ આપ્યા હતા અને તેણે ટુકડે-ટુકડે રૂ.2 લાખ લીધા હતા.

થોડા સમય પછી મકાનનું પઝેશન મેળવવા માટે ફોન કરતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. અને તેણે ઠગાઇ કરતા જે અંગે છગનભાઇને જાણ કરતા તેમણે પણ કહેલું કે, આરોપી મહેબુબહુસેને મારી સાથે પણ ઠગાઇ કરી છે. તેમજ રવીનાબહેન આકાશભાઇ સોલંકી સાથે રૂ.2.44 લાખ અને પ્રિયાબહેન ભરતભાઇ ચારણ પાસેથી રૂ.2.74 લાખ લઇને ઠગાઇ કરી છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસે આ ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી. વાસણા પોલીસે આરોપીને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, આરોપીના રિમાન્ડ સંદર્ભે સરકારી વકીલ પી.વી.પ્રજાપતિએ રજૂઆત કરી હતી કે, આરોપી જરૂરિયાતમંદ લોકોને મકાન અપાવવાના બહાને તેમની સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરવાની ગુનાહિત કૃત્ય કરવાની ટેવ ધરાવે છે. આરોપી વિરુધ્ધ કાગડાપીઠ, વાડજ, શાહીબાગ, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કુલ 7 ગુના નોંધાયેલા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટથી લઈને હોસ્પિટલ-સ્કૂલ બોર્ડ સુધી નિવૃત્તોને ફરી નોકરીમાં રખાયા: 12,000થી રૂ.2 લાખ સુધીનો પગાર ચૂકવાય! RTIમાં ઘટસ્ફોટ

આરોપીના 5 દિવસના રિમાન્ડનો કોર્ટનો હુકમ

આરોપીએ આ પ્રકારના ગુનાઓ આચરી કેટલી મિલકત ઉભી કરેલી છે. તેની તપાસ કરવી જરૂરી છે. આરોપી પાસેથી રૂપિયા રિકવર કરવાના છે. આરોપી બનાવટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલો અને પહોંચો, પઝેશન લેટરો, બેંકની સ્લીપો તથા ઔડાના પઝએશન લેટરો કયાંથી અને કોની પાસેથી મેળવતો હતો. તેની ઉંડાણપૂર્વક તપાસ કરવાની છે. એની સાથે અન્ય કોણ આરોપીઓ સંડોવાયેલા છે. આરોપી રીઢો ગુનેગાર હોઇ તપાસમાં સહકાર આપતો નથી. આથી આરોપીના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને 5 દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.