Ahmedabad

અમદાવાદમાં રિવરફ્રન્ટથી લઈને હોસ્પિટલ-સ્કૂલ બોર્ડ સુધી નિવૃત્તોને ફરી નોકરીમાં રખાયા: 12,000થી રૂ.2 લાખ સુધીનો પગાર ચૂકવાય! RTIમાં ઘટસ્ફોટ

By GS Team
16 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ AMCની RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે રિવરફ્રન્ટ, હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સહિતની સંસ્થાઓમાં નિવૃત્ત અધિકારીઓ-કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર ફરીથી નિયુક્ત કરાયા છે. કેટલાકને તો ₹2,01,314 સુધીનો માસિક પગાર મળે છે. કોંગ્રેસના અતિક સૈયદે આ અંગે પારદર્શિતાની માગ કરી છે, કારણ કે યુવાનો નવી ભરતીની રાહ જોઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રિવરફ્રન્ટથી લઈને હોસ્પિટલ-સ્કૂલ બોર્ડ સુધી નિવૃત્તોને ફરી નોકરીમાં રખાયા: 12,000થી રૂ.2 લાખ સુધીનો પગાર ચૂકવાય! RTIમાં ઘટસ્ફોટ

Ahmedabad AMC RTI Reveal Retired Officials Reappointment: અમદાવાદ કોર્પોરેશનની સંલગ્ન વિવિધ સંસ્થાઓમાં નિવૃત્તિ બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત નોકરી પર રાખવામાં આવતા હોવાની માહિતી RTIમાં સામે આવી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અતિક સૈયદે કરેલી RTIના જવાબમાં રિવરફ્રન્ટ, હોસ્પિટલ, મેડિકલ કોલેજ, એએમસી-મેટ અને સ્કૂલ બોર્ડ સહિતની સંસ્થાઓમાં નિવૃત્ત કર્મચારીઓની પુનઃનિયુક્તિની વિગતો સામે આવી છે. માહિતી મુજબ, કેટલાક કિસ્સામાં નિવૃત્તિ બાદ પણ મહત્ત્વના હોદ્દા પર કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને માસિક પગાર 12,000 રૂપિયાથી લઈને 2,01,314 રૂપિયા સુધીનો છે.

RTIમાં સામે આવેલી વિગતો મુજબ, સાબરમતી રિવરફ્રન્ટમાં જગદીશ પટેલ ચીફ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમને 2,01,314 રૂપિયા માસિક પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે દિપક નાયક ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે 64,028 રૂપિયા માસિક પગાર મેળવે છે. SVP હોસ્પિટલમાં સિનીયર ક્લાર્ક, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને ફાયર ઓફિસર તરીકે નિવૃત્ત કર્મચારીઓની કામગીરીની વિગતો સામે આવી છે. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ડૉ. દીપ્તિ શાહ ડીન અને રમેશ નાયક ફાયર ઓફિસર તરીકેની વિગતો પણ RTIના જવાબમાં છે.

એએમસી-મેટથી એલ.જી. હોસ્પિટલ સુધી નિવૃત્ત કર્મચારીઓ

એએમસી-મેટમાં ભરત પટેલ સી.ઓ.એસ. અને હિરેન વ્હોરા એક્ઝિક્યુટિવ ઓફિસર સહિતના નિવૃત્ત કર્મચારીઓની પુનઃનિયુક્તિની વિગતો સામે આવી છે. નગરી હોસ્પિટલમાં ભવાસિંહ બારીયા સેક્રેટરી, જ્યારે એલ.જી. હોસ્પિટલમાં મંજરી બહેન કનિકટર ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે. એન.એચ.એલ. મેડિકલ કોલેજમાં ડૉ. વિનોદ અગ્રવાલ પ્રોફેસર અને ડૉ. દીપા બેન્કર વિઝિટિંગ કન્સલ્ટન્ટ સહિતના નામો સામે આવ્યા છે. જ્યારે સ્કૂલ બોર્ડમાં ડૉ. લખદીર દેસાઈ શાસનાધિકારી તરીકેની વિગતો RTIમાં મળી છે.

એમ.જે. પુસ્તકાલયમાં કોન્ટ્રાક્ટ લંબાવવાની વિગતો

શેઠ એમ.જે. પુસ્તકાલયમાં નિવૃત્ત કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત કામગીરી સોંપીને તેમની મુદત લંબાવવાની વિગતો પણ RTIના જવાબમાં સામે આવી છે. અશોકકુમાર વર્મા મશીન ઓપરેટરનો કોન્ટ્રાક્ટ 04-06-2019થી 06-03-2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. તેમનો માસિક પગાર 12,000 રૂપિયાથી વધારીને 16,000 રૂપિયા કરવામાં આવ્યો હતો. રમેશભાઈ એમ. ચૌહાણ પટાવાળાનો કોન્ટ્રાક્ટ 14-10-2024થી 13-10-2025 સુધી લંબાવવામાં આવ્યો હતો અને તેમનો માસિક પગાર 11,000થી વધારીને 13,000 રૂપિયા થયો હતો. જ્યારે સંજયભાઈ એન. શાહ એટેન્ડન્ટ લાઇબ્રેરી - સેક્રેટરી ઓફિસ AMC ફાળવણી તરીકે 18,200 રૂપિયા માસિક પગાર પર રાખવામાં આવ્યા હોવાનું RTIમાં જણાવાયું છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર નક્કી કરવાની પદ્ધતિમાં પારદર્શિતા રાખવાની માગ ઉઠી

એક તરફ કોર્પોરેશનમાં વર્ગ-1થી વર્ગ-4 સુધીની જગ્યાઓ પર નવી ભરતીની રાહ જોતા યુવાનો છે, ત્યારે નિવૃત્ત કર્મચારીઓને ફરી કોન્ટ્રાક્ટ પર રાખવાની આ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. નિવૃત્તિ બાદ લાંબા સમય સુધી એક જ વ્યક્તિને ફરી કામગીરી સોંપવાની જરૂરિયાત, તેની પસંદગીની પ્રક્રિયા અને પગાર નક્કી કરવાની પદ્ધતિ અંગે પારદર્શિતા રાખવાની માગ ઉઠી છે.

આ પણ વાંચો: અમદાવાદ: LG હોસ્પિટલમાં મૃતદેહ સાચવવા 18 કોલ્ડ સ્ટોરેજ શરૂ, હવે પોસ્ટમોર્ટમ માટે સિવિલના ધક્કા બંધ!

નિવૃત્ત કર્મચારીને કોન્ટ્રાક્ટ પર રાખવાથી જવાબદારી નક્કી નથી થતી

નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ આધારિત રીતે કોઈ કર્મચારીને ફરી મોટા વિભાગમાં જવાબદારી સોંપવામાં આવે ત્યારે ગેરરીતિ કે ભ્રષ્ટાચારના કિસ્સામાં તેની સામે કઈ પ્રકારની કાર્યવાહી થઈ શકે તે મુદ્દો પણ મહત્વનો છે. કાયમી કર્મચારી સામે ખાતાકીય તપાસ, ચાર્જશીટ અને સસ્પેન્શન જેવી કાર્યવાહી થઈ શકે છે. બીજી તરફ કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી સામે કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાની કાર્યવાહીનો પ્રશ્ન રહે છે. આથી નિવૃત્ત કર્મચારીને ફરી મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવે તો ગેરરીતિ થાય ત્યારે જવાબદારી નક્કી કરવાની અને ખાતાકીય કાર્યવાહી કરવાની વ્યવસ્થા શું છે? તે અંગે કોર્પોરેશને સ્પષ્ટતા કરવી જરૂરી છે.