લોકોની સલામતી રામભરોસે, ફટાકડાની દુકાનો શરૂ કરવા ભાજપ નેતાઓની ભલામણ, ચેરમેનનો લુલો બચાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Firecracker Shop: અમદાવાદ શહેરની હદમાં એકાદ મહિના પહેલાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી 10 લોકોનો ભોગ લેવાયો હતો. આ ઘટનાની તપાસમાં હજી સુધી ખાસ કંઈ થયું નથી. પરંતુ ઘટના બાદ સીલ કરાયેલી ફટાકડાની દુકાનો ખોલવા માટે ખુદ ભાજપના જ આગેવાનો દ્વારા ભલામણ શરૂ કરી દેવામાં આવી છે. લોકોની સલામતી રામ ભરોસે મુકીને કરાઈ રહેલી આ ભલામણો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જોકે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા આવો કોઈ નિર્ણય લેવાયો ન હોવાનું બચાવ કરાયો હતો.
60 જેટલી દુકાનો, ગોડાઉન સહિતના એકમો સીલ
અમદાવાદના વસ્ત્રાલ ગામના સીમ વિસ્તારમાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીના બ્લાસ્ટની ઘટના બાદ શહેરમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા ફેક્ટરી, ગોડાઉન અને દુકાનો પર તપાસ કરવામાં આવી હતી. મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ અને ફાયર બ્રિગેડ દ્વારા કરાયેલી આ તપાસ દરમિયાન શહેરમાં 60 જેટલી દુકાનો, ગોડાઉન સહિતના એકમો સીલ કરાયા હતા.
ટાઉન પ્લાનિંગ કમિટી સમક્ષ રજૂઆતો આવી છે, પરંતુ કોઈ નિર્ણય લીધો નથી : ચેરમેનનો બચાવ
આ દરમિયાનમાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં સીલ થયેલી દુકાનો ફરી વખત ખોલી આપવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ માટે ખુદ મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન તેમજ કમિટીના સભ્યો દ્વારા પણ ભલામણ કરવામાં આવી હતી! ગીચ અને ટ્રાફિકવાળી જગ્યામાં સેંકડો લોકોની સલામતી જોખમાય તેવી રીતે ફટાકડાની મોટાભાગની દુકાનો ચાલે છે. આવી દુકાનો ખોલવાની ભાજપના જ આગેવાનોની ભલામણો લોકોમાં ટીકાનું કેન્દ્ર બની હતી.
દરમિયાનમાં મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે, આવી રજૂઆતો લઈને વેપારીઓ આવ્યા હતા. ખાસ કરીને જ્યાં ફટાકડાના મોટા જથ્થાનો સંગ્રહ ન કરાતો હોય તેવી નાની દુકાનો ખોલી આપવાની સભ્યોની પણ રજૂઆત હતી. જોકે જાહેર સલામતીના આ પ્રશ્નમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, સીલ થયેલી દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી નથી. આગામી દિવસોમાં સામૂહિક ચર્ચા થયા બાદ આ અંગેનો નિર્ણય કરવામાં આવશે.









