અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં વધુ એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 10, જવાબદાર કોણ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી ગોઝારી વિસ્ફોટની ઘટનામાં વધુ એક ઈજાગ્રસ્ત શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજતા કુલ મૃત્યુઆંક વધીને 10 થયો છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા અજય ડામોરનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હાલમાં 4 લોકો સારવાર હેઠળ છે, જેમાં એક મહિલાની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
95% દાઝી ગયેલા દર્દીનું મોત
સ્થિતિ અંગે માહિતી આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 'ફટાકડા ફેક્ટરીની દુર્ઘટનામાંથી કુલ 5 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા અને ચાર પુરુષો સામેલ હતા. આ પૈકી એક પુરુષ 95%થી વધુ અને એક મહિલા 75%થી વધુ ગંભીર રીતે દાઝેલા હતા. બંને દર્દીઓ ક્રિટીકલ સ્થિતિમાં ICUમાં સારવાર હેઠળ હતા, જેમાંથી વહેલી સવારે સવા બે વાગ્યે 95% દાઝેલા પુરુષ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.'
રોજી-રોટી કમાવવા આવેલા 10 શ્રમિકો ભ્રષ્ટ તંત્રનો ભોગ બન્યા
રોજી-રોટી મેળવવા અને પરિવારનું પૂરું કરવા આવેલા 10 નિર્દોષ ગરીબ શ્રમિકો સ્થાનિક તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યા છે. ભયંકર વિસ્ફોટ અને આગમાં 10 જીવતા લોકો કંકાલ બની ગયા બાદ સરકારે ચાર-ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે, પરંતુ સ્થાનિકો અને પીડિત પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ 10 નિર્દોષોના હોમાયેલા જીવની જવાબદારી કોની? પોલીસ, ફાયર બ્રિગેડ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન?
પરવાનગી અને સુરક્ષાના નિયમો પર પ્રશ્નાર્થ
દુર્ઘટના બાદ હવે વિવિધ સરકારી વિભાગો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. ફેક્ટરીને ઉત્પાદન કે સંગ્રહની મંજૂરી કોણે આપી? નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) કઈ રીતે મેળવવામાં આવ્યું? ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં? પોલીસ, ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પોતાની નૈતિક જવાબદારીમાંથી છટકીને નિર્દોષ હોવાનો ડોળ કરી રહ્યા છે.
ભૂતકાળની ઘટનાઓમાંથી કોઈ પાઠ નહીં
રાજ્યમાં આ કોઈ પહેલી અગ્નિકાંડની ઘટના નથી. અગાઉ રાજકોટનો ભયાનક ગેમઝોન કાંડ, સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ અને ડીસાનો ફટાકડા કાંડ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા હતા. તે સમયે પણ તંત્ર દ્વારા મોટા દાવોઓ કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે શાસકો કે તંત્રે આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લીધો નથી.
જો અગાઉની ઘટનાઓ પછી રાજ્ય સરકારે ગેરકાયદે ફેક્ટરીઓ સામે કડકાઈ દાખવી હોત, તો આજે આ 10 ગરીબોના ઘરના ચિરાગ ઓલવાયા ન હોત. દુર્ઘટનાઓ બની રહી છે અને લોકો જીવ ગુમાવી રહ્યાં છે ત્યારે જનતાનો આક્રોશ ઠારવા સરકાર હવે 'તપાસ કમિટી'નું નાટક રચાઈ રહ્યુ છે. આ કમિટી તપાસના નામે સમય બગાડશે અને અંતે સમગ્ર ઘટના પર ઠંડુ પાણી રેડી દેવામાં આવશે. દર વખતની જેમ મ્યુનિ.કોર્પોરેશનના ક્લાર્ક જેવી 'નાની માછલીઓ'ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે, જ્યારે એસી કેબિનોમાં બેસીને લાખો રૂપિયાના હપ્તા ખાતા મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર અને પોલીસઅધિકારી જેવી 'મોટી માછલીઓ'ને છાવરી લેવામાં આવશે. પરંતુ 'યે પબ્લિક હે, સબ જાનતી હૈ.'









