Ahmedabad

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, જાણો કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 39.15 મીમી (1.54 ઈંચ) વરસાદ નોંધાયો છે. ઓગણજમાં સૌથી વધુ 105 મીમી (4 ઈંચ) વરસાદ ખાબક્યો. ગોતા, રાણીપ, સરખેજ જેવા વિસ્તારોમાં પણ 2 થી 2.8 ઈંચ વરસાદ થયો. આ સાથે શહેરનો સિઝનનો કુલ વરસાદ 63.15 મીમી (2.49 ઈંચ) પર પહોંચ્યો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, જાણો કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Ahmedabad Rain: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, ગઈકાલે (ચોથી જુલાઈ) સવારે 6:00 વાગ્યાથી આજે (પાંચમી જુલાઈ) સવારે 6:00 વાગ્યા સુધી સિટીમાં સરેરાશ 39.15 મીમી એટલે કે, અંદાજે 1.54 ઈંચ વરસાદ થયો છે. આ વરસાદ સાથે શહેરમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 63.15 મીમી એટલે કે 2.49 ઈંચ પર પહોંચી ગયો છે. આમ, શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને ઘણાં વિસ્તારોમાં 2 ઈંચ કે તેથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

a029e56e-58ff-4e37-96eb-539e8b0210cc.jpg

આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો

શહેરના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં વધુ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, ઓગણજ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. અહીં 105 મીમી એટલે કે 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગોતા, રાણીપ, અને સરખેજ જેવા વિસ્તારોમાં પણ 2.3થી 2.8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

•ઓગણજ: 105.00 મીમી (અંદાજે 4.13 ઈંચ)
•ગોતા: 72.00 મીમી (અંદાજે 2.83 ઈંચ)
•રાણીપ: 66.00 મીમી (અંદાજે 2.60 ઈંચ)
•સરખેજ: 60.50 મીમી (અંદાજે 2.38 ઈંચ)
•મેમનગર: 58.50 મીમી (અંદાજે 2.30 ઈંચ)
•ચાંદલોડિયા: 55.50 મીમી (અંદાજે 2.19 ઈંચ)
•જોધપુર (ઝોનલ): 55.50 મીમી (અંદાજે 2.19 ઈંચ)
•ચાંદખેડા: 54.50 મીમી (અંદાજે 2.15 ઈંચ)
•સાયન્સ સિટી: 54.00 મીમી (અંદાજે 2.13 ઈંચ)
•બોપલ: 53.00 મીમી (અંદાજે 2.09 ઈંચ)

વાસણા બેરેજની સ્થિતિ

AMCના રિપોર્ટ અનુસાર વાસણા બેરેજની સપાટી હાલ 132.50 ફૂટ એટલે કે, 40.386 મીટર નોંધવામાં આવી છે. નદીમાં હાલ નવો કોઈ ઈનફ્લો નથી અને કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.